Maldives Elections: માલદીવમાં આજે સંસદીય ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ માટે આ ચૂંટણી એક મોટી રાજકીય પરીક્ષા છે. મોહમ્મદ મુઈઝુનું વલણ ભારત વિરોધી રહ્યું છે. અગાઉ સપ્ટેમ્બર 2023માં મુઈઝુના PPM-PNC ગઠબંધને ઈન્ડિયા આઉટનો નારો આપીને ચૂંટણી જીતી હતી.
માલદીવમાં સંસદીય ચૂંટણીમાં કુલ 8 રાજકીય પક્ષો ચૂંટણી લડી રહ્યા છે. આ રાજકીય પક્ષોએ 93 મતવિસ્તારોમાં કુલ 368 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. કુલ 2.8 લાખથી વધુ મતદારો 602 મતદાન મથકો પર મતદાન કરી રહ્યા છે. મુઈઝુ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે અને તેના ભારત વિરોધી વલણને લઈને મતદારોમાં નારાજગી પણ છે.
મુઈઝુના ટીકાકારો અને ચૂંટણી વિશ્લેષકો તેમની પાર્ટીની હારની આગાહી કરી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે મુખ્ય વિપક્ષી પાર્ટી અને ભારત તરફી પાર્ટી માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (MDP) સંસદીય ચૂંટણીમાં સરળતાથી બહુમતી મેળવી લેશે. કામચલાઉ પરિણામો રવિવારે મોડી રાત્રે જાહેર થવાની શક્યતા છે.
ચીન પોતાનો પ્રભાવ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે
માલદીવ હિંદ મહાસાગરમાં વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ સ્થાન પર સ્થિત છે. આવી સ્થિતિમાં ભારત અને ચીન માલદીવમાં પોતાનો પ્રભાવ વધારવાની કોશિશ કરી રહ્યા છે. મુઈઝુ રાષ્ટ્રપતિ બન્યા પછી ભારત અને ચીન વચ્ચે દુશ્મનાવટ વધી ગઈ. મુઇઝુએ ચીન તરફી વલણ અપનાવ્યું અને દેશના એક ટાપુ પર તૈનાત ભારતીય સૈનિકોને હટાવવાનું કામ કર્યું. રાષ્ટ્રપતિ માટે સંસદમાં બહુમતી મેળવવી મુશ્કેલ બનશે કારણ કે તેમના કેટલાક સાથી પક્ષો બહાર પડી ગયા છે અને વધુ પક્ષો ચૂંટણીની રેસમાં જોડાયા છે.
‘ઈન્ડિયા આઉટ’ થીમ પર મુઈઝુનું ચૂંટણી પ્રચાર
રાષ્ટ્રપતિ પદ માટે મુઈઝુનું ચૂંટણી અભિયાન ‘ઈન્ડિયા આઉટ’ થીમ પર આધારિત હતું, જેમાં તેણે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પર ભારતને વધુ પડતું મહત્વ આપીને રાષ્ટ્રીય સાર્વભૌમત્વ સાથે સમાધાન કરવાનો આરોપ લગાવ્યો હતો. ઓછામાં ઓછા 75 ભારતીય સૈન્ય કર્મચારીઓને માલદીવમાં તૈનાત કરવામાં આવ્યા હતા અને ભારત દ્વારા દાનમાં આપેલા બે એરક્રાફ્ટનું સંચાલન કર્યું હતું તેમજ દરિયામાં ફસાયેલા અથવા આફતોનો સામનો કરી રહેલા લોકોના બચાવ કાર્યમાં મદદ કરી હતી. ભારત અને માલદીવ વચ્ચેના સંબંધો ત્યારે વધુ વણસ્યા જ્યારે ઘણા ભારતીયોએ માલદીવ પર્યટનનો બહિષ્કાર કરવા માટે સોશિયલ મીડિયા પર અભિયાન શરૂ કર્યું.
માલદીવમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો
વાસ્તવમાં, માલદીવના ત્રણ નાયબ પ્રધાનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લક્ષદ્વીપમાં પર્યટનને પ્રોત્સાહન આપવાના તેમના વિચારને લઈને અપમાનજનક નિવેદનો આપ્યા હતા, જેના જવાબમાં માલદીવના પ્રવાસનનો બહિષ્કાર કરવા માટે ભારતમાં એક અભિયાન ચલાવવામાં આવ્યું હતું. માલદીવ સરકારના તાજેતરના આંકડાઓ અનુસાર, ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. મુઈઝુએ આ વર્ષની શરૂઆતમાં ચીનની મુલાકાત લીધી હતી અને ચીનથી પ્રવાસીઓ અને ફ્લાઈટ્સની સંખ્યા વધારવાની વાત કરી હતી. માલદીવ 2013માં ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવમાં જોડાયું હતું, જેનો હેતુ એશિયા, આફ્રિકા અને યુરોપમાં વેપાર અને ચીનના પ્રભાવને વિસ્તારવા માટે બંદરો અને હાઇવે બનાવવાનો હતો.