IPL 2024: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝનની 29મી મેચમાં 12 વર્ષ બાદ હિટમેન રોહિત શર્માએ આ ટૂર્નામેન્ટમાં બીજી સદી ફટકારી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમને 20 ઓવરમાં 207 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, જેનો પીછો કરતી વખતે રોહિત શર્માએ શાનદાર અણનમ સદી ફટકારી હતી પરંતુ તેની ટીમને 20 રને હારનો સામનો કરવો પડ્યો હતો. આ કારણે રોહિત હવે આઈપીએલ ઈતિહાસના એવા ખરાબ રેકોર્ડનો હિસ્સો બની ગયો છે જે પહેલા માત્ર 2 ખેલાડીઓના નામે હતો. રોહિતે 105 રનની ઈનિંગ દરમિયાન 11 ફોર અને 5 સિક્સર પણ ફટકારી હતી.
રોહિત સંજુ સેમસન અને યુસુફ પઠાણ પછી ત્રીજો ખેલાડી બન્યો
આઈપીએલના ઈતિહાસમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની આ મેચ પહેલા માત્ર 2 ખેલાડીઓ એવા હતા જેમણે લક્ષ્યનો પીછો કરતી વખતે સદીની ઈનિંગ્સ રમી હતી પરંતુ તેઓ પોતાની ટીમને જીત તરફ લઈ જવામાં સફળ થઈ શક્યા ન હતા. હવે આ મામલામાં રોહિત શર્મા ત્રીજો ખેલાડી બની ગયો છે. રોહિતે આ મેચની છેલ્લી ઓવરમાં પોતાની સદી પૂરી કરી હતી. રોહિત પહેલા 2010માં યુસુફ પઠાણે મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા માત્ર 37 બોલમાં સદી ફટકારી હતી, પરંતુ તેની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી વર્ષ 2021માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા સંજુ સેમસને પંજાબ કિંગ્સ સામે ટાર્ગેટનો પીછો કરતા મેચમાં 63 બોલમાં 119 રનની ઈનિંગ રમી હતી, પરંતુ તેની ટીમ જીતવામાં સફળ થઈ શકી નહોતી.
IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે બીજી સદી ફટકારી
રોહિત શર્માની તેની IPL કારકિર્દીમાં આ બીજી સદી છે, આ પહેલા વર્ષ 2012માં તેણે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 109 રનની અણનમ સદી ફટકારી હતી, તે મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે 27 રને મેચ જીતી હતી. આ સિવાય IPLના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે કે જ્યારે લક્ષ્યનો પીછો કરતી વખતે રોહિત શર્મા અણનમ પેવેલિયન પરત ફર્યો અને તેની ટીમને હારનો સામનો કરવો પડ્યો. આ પહેલા જ્યારે રોહિત છેલ્લી 18 ઇનિંગ્સમાં અણનમ પરત ફર્યો હતો ત્યારે તેની ટીમે મેચનો અંત જીત સાથે કર્યો હતો.