- ચૈત્ર નવરાત્રિના પ્રારંભે અંબાજી ખાતે મોટી સંખ્યામાં માઇભક્તો દર્શન માટે ઉમટ્યા
Gujarat News: શક્તિ ઉપાસનાના પર્વ ચૈત્રી નવરાત્રીનો મંગળવારથી પ્રારંભ થયો છે. ત્યારે કરોડો માઇભક્તોના આસ્થા કેન્દ્ર અને શક્તિપીઠ અંબાજી ખાતે આજે વૈદિક મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપન કરવામાં આવ્યું હતું.
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજીના વહીવટદાર શ્રી કૌશિક મોદીના હસ્તે ઘટ સ્થાપન વિધિ સંપન્ન કરી માતાજીની આરતી કરવામાં આવી હતી.
ચૈત્ર નવરાત્રિના પાવન પર્વને પગલે અંબાજી ખાતે મોટી સંખ્યામાં માઇભક્તો દર્શન માટે ઉમટ્યા હતા. સમગ્ર મંદિર પરિસર જય અંબે ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
સનાતન હિન્દૂ ધર્મમાં ખાસ કરીને આસો નવરાત્રી અને ચૈત્રી નવરાત્રીમાં શક્તિ ઉપાસનાનું વિશેષ મહત્વ રહેલું છે. ઘટ સ્થાપનને માતાજીનું સ્વરૂપ માની ભક્તિભાવ પૂર્વક શ્રદ્ધા સાથે તેનું પૂજન અર્ચન કરવામાં આવે છે. અંબાજી શક્તિપીઠ અને માતાજીનું હૃદયસ્થાન હોવાથી ઘટ સ્થાપનનું અનેરું મહત્વ ધરાવે છે.
ચૈત્રી નવરાત્રિના પ્રથમ નોરતે ઘટ સ્થાપન અંતર્ગત માતાજીની સમક્ષ જવારા વાવવામાં આવ્યા છે. જેનું અષ્ટમીએ ઉત્થાપન કરી નવચંડી યજ્ઞમાં હોમવામાં આવશે. જ્યારે નોમના દિવસે માતાજીને નૈવેધ ચડાવવામાં આવશે. આઠ દિવસના જવારાનો ગ્રોથ જોતા વર્ષ ફળ પણ નક્કી કરવામાં આવશે.
મંદિરના પૂજારી ભટ્ટજી મહારાજ ભરતભાઈ પાધ્યાએ વસંત ઋતુમાં આવતી નવરાત્રિને વાસંતિક નવરાત્રિ અને આસોમાં આવતી નવરાત્રિને શરદીય નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે એમ જણાવી ઘટ સ્થાપનનું મહત્વ જણાવ્યું હતું. ભટ્ટજી મહારાજે વિશ્વ કલ્યાણની પ્રાર્થના સાથે મા અંબાના આશીર્વાદ સૌ માઇભક્તોને ફળે એવી શુભેચ્છાઓ પાઠવી હતી.
ચૈત્ર સુદ-1 (એકમ) તા.09/04/2024, મંગળવાર થી તા. 16/04/2024 મંગળવાર સુધી માતાજીની આરતી તથા દર્શન સમય આ મુજબ રહેશે
- આરતી સવારે ૭.૦૦ થી ૭.૩૦ કલાકે
- દર્શન સવારે ૭.૩૦ થી ૧૧.૩૦ કલાકે
- દર્શન બપોરે ૧૨.૩૦ થી ૧૬.૩૦ કલાકે
- આરતી સાંજે ૧૯.૦૦ થી ૧૯.૩૦ કલાકે
- દર્શન સાંજે ૧૯.૩૦ થી ૨૧.૦૦ કલાકે