Childbirth Registration News: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બાળકના જન્મ પ્રમાણપત્રને લઈને એક નવું મોડલ તૈયાર કર્યું છે. જે મુજબ હવે બાળકના જન્મની નોંધણી વખતે માતા અને પિતા બંનેનો ધર્મ અલગ-અલગ નોંધવામાં આવશે. એટલે કે બાળકના જન્મ પ્રમાણપત્ર પર માતા-પિતા બંનેનો ધર્મ લખવામાં આવશે.
આ નિયમો લાગુ કરવામાં આવે તે પહેલાં રાજ્ય સરકારો દ્વારા તેને અપનાવવા અને સૂચિત કરવાના રહેશે. ભારતમાં હાલની પ્રથામાં, ફક્ત બાળકના પરિવારનો ધર્મ એટલે કે પિતા નોંધવામાં આવતો હતો. જોકે, રાજ્યોએ હજુ સુધી નવા નિયમોની સૂચના આપી નથી.
Childbirth Registration: નવા નિયમમાં શું થશે ફેરફાર?
હવે સરકાર દ્વારા પ્રસ્તાવિત “ફોર્મ નંબર 1-જન્મ રિપોર્ટ” માં બાળકના “ધર્મ” માટે ટિક માર્કની પસંદગીની ફરજિયાત કૉલમને વિસ્તૃત કરવામાં આવશે, જેમાં હવે “પિતાનો ધર્મ” અને “માતાનો ધર્મ” શામેલ હશે. બંને માટે ધર્મ”નો અલગથી ઉલ્લેખ કરવામાં આવશે. દત્તક લીધેલા બાળકના માતા-પિતા માટે પણ સમાન ફેરફારો કરવામાં આવ્યા છે.
રિપોર્ટ અનુસાર, ગયા વર્ષે 11 ઓગસ્ટના રોજ સંસદ દ્વારા પસાર કરાયેલ જન્મ અને મૃત્યુની નોંધણી (સુધારા) અધિનિયમ, 2023 મુજબ જન્મ અને મૃત્યુ ડેટાબેઝ રાષ્ટ્રીય સ્તરે જાળવવામાં આવશે.
તેનો ઉપયોગ નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (NPR), મતદાર યાદી, આધાર નંબર, રેશન કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ, પ્રોપર્ટી રજીસ્ટ્રેશન જેવા અન્ય ડેટાબેઝ માટે થઈ શકે છે.
ગયા વર્ષે 1 ઑક્ટોબરના રોજ અમલમાં આવેલા કાયદા અનુસાર, દેશમાં નોંધાયેલા તમામ જન્મ અને મૃત્યુની નોંધણી કેન્દ્રની સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (crsorgi.gov.in) પોર્ટલ દ્વારા ડિજિટલ રીતે કરવાની રહેશે.
જન્મ પ્રમાણપત્ર ક્યાં વાપરવામાં આવશે?
આ સિસ્ટમ હેઠળ જારી કરાયેલ ડિજિટલ જન્મ પ્રમાણપત્ર શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ લેવા સહિતની વિવિધ સેવાઓ માટે જન્મતારીખ (D.O.B) સાબિત કરવા માટેનો દસ્તાવેજ બની જશે.
નવા ડ્રાફ્ટ મુજબ, કોઈપણ જન્મ નોંધણીમાં બે ભાગ હોય છે, કાયદાકીય માહિતી અને આંકડાકીય માહિતી. આંકડાકીય માહિતી માટે માતાપિતાના ધર્મને લગતી માહિતી જાળવવાની રહેશે.
કાનૂની માહિતી, આધાર નંબર, અને બંને માતા-પિતાના મોબાઈલ અને ઈ-મેલ આઈડી સંબંધિત જન્મ નોંધણી ફોર્મની વિગતો, જો કોઈ હોય તો, પણ રેકોર્ડ કરવાનું કહેવામાં આવ્યું છે.