રીઅલ એસ્ટેટ કંપની યુનિટેક જૂથ સામે નોંધાયેલા મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે રૂ. ૧૯૭ કરોડથી વધુની કિંમતની એસેટ્સને જપ્ત કરી છે. પીએમએલએની જાેગવાઈ હેઠળ સિક્કિમમાં ગંગટોક અને કેરળના આલાપુઝામાં ૧-૧ રિસોર્ટ સહિત કુલ ૧૦ પ્રોપર્ટી જપ્ત કરવામાં આવી હતી. ઈડીએ જણાવ્યું હતું કે, આ સ્થાવર મિલકતનું નોંધાયેલું મૂલ્ય રૂ. ૧૯૭.૩૪ કરોડ છે અને કાર્નોસ્ટી જૂથની વિવિધ એન્ટિટીઝ તેની માલિકી ધરાવે છે.
ઈડીએ દાવો કર્યો હતો કે યુનિટેક જૂથે ગેરકાયદેસર રીતે એકત્ર કરેલ રૂ.૩૨૫ કરોડનું ભંડોળ કાર્નોસ્ટી જૂથમાં ડાઇવર્ટ કર્યું હતું અને તેના બદલામાં કાર્નોસ્ટી જૂથની એન્ટિટીઝ દ્વારા આ ફંડ પાસેથી ઘણી સ્થાવર મિલકતોની ખરીદી કરી હતી. અગાઉ ઈડીએ યુનિટેક જૂથની રૂ. ૧૫૨.૪૮ કરોડની કિંમતની એસેટ્સને જપ્ત કરી લીધી હતી.યુનિટેક જૂથ અને તેના પ્રમોટર્સ સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની વિવિધ કલમ હેઠળ ક્રિમિનલ કેસ નોંધવામાં આવ્યા છે અને તેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે યુનિટેક જૂથના માલિકો-સંજય ચંદ્ર અને અજય ચંદ્રએ ગેરકાયદેસર રીતે રૂ. ૨,૦૦૦ કરોડથી વધુનું નાણાં ભંડોળ સાઇપ્રસ અને કાયમેન આઇલેન્ડમાં ડાઇવર્ટ કરી દીધું છે.આ કેસની તપાસ દરમિયાન ઈડીએ તાજેતરમાં દિલ્હી-એનસીઆર અને મુંબઈમાં આવેલી ૩૫ કરતાં વધારે પ્રિમાઇસિસ પર દરોડા પાડયા હતાં. વિવિધ એફઆઈઆરનો અભ્યાસ બાદ ઈડી દ્વારા પીએમએલએ કેસ નોંધવામાં આવ્યો હતો.