હરિદ્વારમાં ગુરૂવારથી મહાકુંભ 2021નો શુભારંભ થઈ ગયો છે. આગામી 30 એપ્રિલ સુધી ચાલનારા મહાકુંભ દરમિયાન ગંગા સ્નાન માટે શ્રદ્ધાળુઓએ 72 કલાક પહેલા સુધીનો કોવિડ-19 માટેનો આરટીપીસીઆર નેગેટિવ રિપોર્ટ જમા કરાવવાનો રહેશે.શ્રદ્ધાળુઓને કોવિડ નેગેટિવ રિપોર્ટ રજૂ કર્યા વગર ગંગા સ્નાનનો લાભ નહીં મળે. ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને સરકારે શ્રદ્ધાળુઓ પાસે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરાવવા વિનંતી કરી છે.
મોટી સંખ્યામાં દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ ગંગા સ્નાન માટે આવે છે જેને લઈ પ્રશાસને ઠેક-ઠેકાણે પોલીસના જવાનોને તૈનાત કર્યા છે. હરિદ્વારમાં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવેલું છે. આ ઉપરાંત શ્રદ્ધાળુઓના ફોનમાં આરોગ્ય સેતુ એપ પણ ફરજિયાત કરવામાં આવી છે. ઉત્તરાખંડ હાઈકોર્ટે કોરોનાને પગલે રાજ્ય સરકારને કુંભ ઉત્સવ ક્ષેત્રમાં દૈનિક 50,000 કોરોના ટેસ્ટ કરવા આદેશ આપેલો છે.
મેળામાં પ્રવેશવા માટે શ્રદ્ધાળુઓએ સરકારની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. ઉપરાંત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનિટાઈઝેશન સહિતના કોવિડ પ્રોટોકોલ પણ પાળવા પડશે. ગાઈડલાઈન પ્રમાણે કુંભમાં 60 વર્ષ કરતા વધારે ઉંમરના લોકોને પ્રવેશ નહીં આપવામાં આવે. રાજ્યની તમામ બોર્ડર પર રેન્ડમ ચેકિંગ કરવામાં આવશે તથા રેલવે સ્ટેશન, એરપોર્ટ અને બોર્ડર ચેક પોસ્ટ પર પણ ચેકિંગ થઈ રહ્યા છે.
72 કલાકની અંદર કરાવેલો કોરોના રિપોર્ટ લાવવો જરૂરી
પહેલેથી કરાવેલા ઓનલાઈન રજિસ્ટ્રેશનનો SMS દેખાડવો જરૂરી
હેલ્થ ટેસ્ટ રિપોર્ટ સાથે રાખવો પડશે
કુંભમાં એક્ટિવ કન્ટેનમેન્ટ ઝોનના શ્રદ્ધાળુઓને પ્રવેશ નહીં મળે
પહેલું શાહી સ્નાન 12 એપ્રિલ (સોમવતી અમાસ)
બીજું શાહી સ્નાન 14 એપ્રિલ (વૈશાખી)
ત્રીજું શાહી સ્નાન 27 એપ્રિલ (પૂર્ણિમાનો દિવસ)