શ્રેયસ અય્યરની ગેરહાજરીમાં રિષભ પંત કરશે દિલ્હી કેપીટલની કપ્તાની Delhi Capital IPL2021:
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ટીમ દિલ્હી કેપિટલ્સે 14મી સિઝન માટે વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને કેપ્ટન બનાવ્યો છે.
પંત પ્રથમ વખત કેપ્ટન તરીકે ટૂર્નામેન્ટ રમશે. ટીમનો નિયમિત કેપ્ટન શ્રેયસ ઐયર ખભાની ઇજાને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.
ઐયર ઇંગ્લેન્ડ સામેની વનડે મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ પંતને તેની જગ્યાએ પ્લેઇંગ -11માં રમાડવામાં આવ્યો હતો. પંતે ફિફટી મારી હતી. શ્રેણીમાં ભારતે ઇંગ્લેન્ડને 2-1થી માત આપી હતી. પંતે 2017માં ડોમેસ્ટિક ક્રિકેટ ટૂર્નામેન્ટ સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં દિલ્હીની કપ્તાન કરી હતી.
ફ્રેન્ચાઇઝે સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી
દિલ્હી ફ્રેન્ચાઇઝે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી હતી. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું- ઋષભ પંત આઈપીએલ 2021માં અમારી ટીમનો કેપ્ટન રહેશે. શ્રેયસ ઐયર ઈજાના કારણે ચાલુ સિઝનમાં ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણી દરમિયાન તે ઈજાગ્રસ્ત થયો હતો.
દિલ્હીની ટીમની કપ્તાની કરવી મારુ સપનું હતું: પંત
કપ્તાન બન્યા પછી પંતે કહ્યું કે, મેં IPL રમવાની શરૂઆત 6 વર્ષ પહેલાં કરી હતી. મેં દિલ્હીને મારી સામે આગળ વધતા જોઈ છે. મારુ સપનું હતું કે એક દિવસ આ ટીમની કપ્તાની કરું. આજે આ સપનું પૂરું થઈ રહ્યું છે. આ જવાબદારી આપવા બદલ ટીમના માલિક અને મેનેજમેન્ટનો આભાર માનું છું.
મુંબઈ સૌથી વધુ 5 વાર ચેમ્પિયન બન્યું, દિલ્હી હજી ટાઇટલ જીત્યું નથી
IPLના ઇતિહાસમાં મુંબઈ ઇન્ડિયન્સે સૌથી વધુ 5 ટાઇટલ જીત્યા છે. રોહિતની કપ્તાનીમાં ટીમ 2013, 2015, 2017, 2019 અને 2020માં ચેમ્પિયન બની હતી. બીજા નંબરે મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીવાળી ચેન્નઈ સુપરકિંગ્સ છે. તેઓ 2010, 2011 અને 2018 એમ કુલ ત્રણવાર ખિતાબ જીત્યા છે તેમજ સૌથી વધુ 8 ફાઇનલ રમવાનો રેકોર્ડ પણ તેમના નામે છે. ટીમ 2008, 2012, 2013, 2015 અને 2019માં રનરઅપ રહી હતી.
કોલકાતા અને હૈદરાબાદ 2-2 વાર ચેમ્પિયન બન્યું છે. કોલકાતા 2012, 2014 અને હૈદરાબાદ 2009, 2016માં ચેમ્પિયન બન્યું હતું. રાજસ્થાને એકવાર 2008માં ટાઇટલ પોતાના નામે કર્યું હતું. પંજાબ, દિલ્હી અને બેંગલોરની ટીમ હજી સુધી ચેમ્પિયન બનવામાં સફળ થઈ નથી. ગઈ સીઝનમાં મુંબઈએ દિલ્હીને હરાવીને 5મી વાર કપ ઉપાડ્યો હતો.