Gujarat Weather Forecast: રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી તાપમાનનો પારો થોડો નીચો રહેતા લોકોએ તાપમાંથી રાહત મેળવી છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતીઓ માટે સારા સમાચાર આપ્યા છે. હાલ કોઇપણ પ્રકારની વોર્નિંગની આગાહી આપવામાં આવી નથી.સોમવારે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે કરેલી આગાહીમાં જણાવ્યુ હતુ કે, ‘આગામી પાંચ દિવસમાં ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે. આ સાથે તેમણે જણાવ્યુ છે કે, મહત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની કોઇ શક્યતા નથી. આ સાથે તેમણે જણાવ્યુ હતુ કે, છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 36.8 ડિગ્રી તાપમાન નોંધાયુ છે જ્યારે ગાંધીનગરમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, રાજ્યમાં સૌથી વધુ અમરેલીમાં 38.6 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. ‘
અભિમન્યુ ચૌહાણે જણાવ્યુ હતુ કે, ‘આ સપ્તાહના મહત્તમ તાપમાનમાં કોઇ વધારે ફેરફારની સંભાવના નથી. તાપમાન 40 ડિગ્રીથી નીચે રહેવાની સંભાવના છે. કોઇપણ પ્રકારની વોર્નિંગ આપવામાં નથી આવી. તો બીજી બાજુ તેમણે જણાવ્યુ છે કે, દરિયા કિનારે હવા ઉત્તર પશ્ચિમ દિશાથી ફૂંકાશે. દરિયાકાંઠે 15થી 20 માઇલ્સ પ્રતિ કલાકની ગતિ રહેશે. જમીન પર પણ ઉત્તર પશ્ચિમ દિશામાં હવા ફૂંકાઇ રહી છે. આખુ સપ્તાહ આ રીતે જ હવાઓ ફૂંકાશે જે બાદ પવનની દિશા બદલાશે. જેના કારણે તાપમાનમાં આગામી સપ્તાહથી થોડા વધારો જોવા મળશે.’
તો આજે આપણે ભારતીય હવામાન વિભાગની આગાહી પણ જોઇએ. IMD ની આગાહીમાં જણાવ્યા પ્રમાણે, આકરી ગરમીની સાથે આ મહિને અનેક જગ્યાએ વરસાદ પણ પડશે. સામાન્ય રીતે એપ્રિલ મહિનામાં ઓછો વરસાદ પડે છે, પરંતુ આ વખતે આવું નહીં થાય. ગુજરાત સહિત રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને અન્ય કેટલાક રાજ્યોમાં આ મહિને ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા અપડેટમાં કહેવામાં આવ્યું છે કે, ‘ઉત્તર-પશ્ચિમ ભારતના મોટાભાગના ભાગોમાં અને મધ્ય ભારતના ઘણા ભાગો, ઉત્તરી દ્વીપકલ્પ ભારત, પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતમાં સામાન્ય અથવા સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે. એપ્રિલ મહિનામાં પૂર્વ અને પશ્ચિમી દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની ધારણા છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે, એપ્રિલ મહિનાની શરુઆતથી વાદળછાયુ વાતાવરણ રહેશે. 3 એપ્રિલ સુધી વાદળછાયુ વાતાવરણ રહેશે. આ ઉપરાંત 6થી 8 એપ્રિલમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. 8અને 9 એપ્રિલના પણ વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે. 12થી 14 એપ્રિલમાં પણ વાદળછાયુ વાતાવરણ રહેશે. 22થી 23 એપ્રિલમાં પણ વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે. અને આ પછી 23થી 25 એપ્રિલના પણ વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે તેવી સંભાવનાઓ છે.
એપ્રિલમાં વરસાદ આવશે
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી કે, ગુજરાતમાં એપ્રિલ મહિનામાં વાતાવરણમાં મોટો પલટો આવશે. એપ્રિલ મહિનામાં વરસાદ આવશે. સાથે જ વાતાવરણમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે. એપ્રિલ માસથી પ્રી મોન્સુન એકિટીવીટી શરૂ થઈ જશે. આ કારણે એપ્રિલના બીજા સપ્તાહમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
એપ્રિલમાં ગરમી પણ આવશે
સાથે જ અંબાલાલ પટેલે કહ્યું કે, એપ્રિલ માસમાં ગરમીના પ્રમાણ પણ વધારો થશે. 20 એપ્રિલથી રાજ્યમાં આકરી ગરમીની શરૂઆત થશે. રાજ્યના અનેક ભાગોમાં ગરમીનું પ્રમાણ 43 ડિગ્રી સુધી જઈ શકે છે. તો મે માસમાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં ગરમી વધતા લૂ ફૂંકાશે.
એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયાની શરુઆતથી તાપમાનમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે. હાલ તો ઉત્તર ભારતમાં આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો થયો છે. પરંતું એપ્રિલની શરૂઆત થતા જ વાતાવરણ ફરીથી પલટાઈ જશે. આગામી દિવસમાં ફરી તાપમાન ઊંચું જશે.