- લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪, બનાસકાંઠા જિલ્લામાં કુલ ૨૦,૮૨૮ દિવ્યાંગ મતદારો તથા ૧૯,૨૮૭ વરિષ્ઠ મતદારો આપશે મત
Loksabha Election 2024: દેશમાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત આદર્શ આચાર સંહિતા અમલમાં છે. દરેક મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ લોકશાહીને સશક્ત કરવામાં કરે તે માટે જિલ્લા વહીવટીતંત્ર સતત પ્રયત્નો કરી રહ્યું છે. મતદાનના દિવસે વધુમાં વધુ મતદાન થાય તેમજ એકપણ વ્યક્તિ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યા વિના રહી ન જાય તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જે અંતર્ગત જિલ્લામાં કુલ ૨૦,૮૨૮ દિવ્યાંગ મતદારો તથા ૧૯,૨૮૭ વરિષ્ઠ મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવાઈ છે.
બનાસકાંઠા જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા મતદાન બુથ ઉપર દિવ્યાંગ મતદારો તથા ૮૫ વર્ષ કે તેથી વઘુ વય ઘરાવતા વરિષ્ઠ મતદારો માટે ૧૯૦ જેટલી વ્હીલચેરની સુવિધા પુરી પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. મતદાનના દિવસે મતદાન મથક પર હાજર આરોગ્ય કર્મચારીઓ દિવ્યાંગ અને વૃદ્ધ મતદારોના વોલીયન્ટર તરીકે મદદ કરશે. મતદાનના દિવસે દરેક વિધાનસભા મત વિસ્તાર દીઠ આર.બી.એસ.કે.ની ટીમના વાહનો મારફતે દિવ્યાંગ તથા વરિષ્ઠ મતદારોને ફ્રી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પૂરી પાડવામાં આવશે. આ મતદાતા સહાયક વાહનમાં વ્હીલચેર, અલ્પ દ્રષ્ટીવાળા મતદાતાઓ માટે મેગ્નીફાઇડ ગ્લાસની વ્યવસ્થા તેમજ વિશિષ્ઠ શિક્ષકો દ્વારા હેલ્પર તરીકે સેવાઓ પુરી પાડવામાં આવશે. દરેક વિધાનસભા મત વિસ્તારદીઠ દિવ્યાંગ બુથ ઉપર વ્હીલચેર, રેમ્પ, રેલીંગ જેવી સુવિધાઓ પુરી પાડવામાં આવનાર છે.
જિલ્લામાં કાર્યરત કંટ્રોલ રૂમમાં ટોલ ફ્રી નં. ૧૯૫૦ પર દિવ્યાંગ તથા ૮૫ વર્ષ કે તેથી વઘુ વય ઘરાવતા વરિષ્ઠ મતદારો તરફથી આવતી ફરિયાદનું નિવારણ સમય મર્યાદામાં થાય તેની વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રવણ ક્ષતિ કે વાણી અંગેની વિકલાંગતા ધરાવતા ( Hearing and Speech Impairment) મતદારોને મતદાનના દિવસે Communication કરવામાં કોઇ મુશ્કેલી ન થાય તે હેતુથી સાઇન લેંગ્વેજ જાણકાર સહાયક તરીકે પણ નિયુકત કરવામાં આવ્યા છે.
વિધાનસભા મત વિસ્તાર મુજબ દિવ્યાંગ તેમજ વૃદ્ધ મતદારોની સંખ્યા
મત વિસ્તાર | દિવ્યાંગ મતદારો | વરિષ્ઠ મતદારો |
---|---|---|
વાવ | ૨૬૯૬ | ૨૦૮૨૮ |
થરાદ | ૨૩૩૪ | ૧૪૨૨ |
ધાનેરા | ૨૯૮૫ | ૪૪૦૦ |
દાંતા | ૧૭૯૧ | ૧૯૯૬ |
વડગામ | ૨૩૩૧ | ૧૭૬૧ |
પાલનપુર | ૧૫૦૦ | ૨૨૧૨ |
ડીસા | ૧૯૫૯ | ૧૯૮૪ |
દિયોદર | ૨૬૮૧ | ૧૬૧૯ |
કાંકરેજ | ૨૫૫૧ | ૧૭૯૩ |
કુલ | ૨૦૮૨૮ | ૧૯૨૮૭ |