Shatrunjay Giriraj Yatra: જૈનો ના પ્રાચીન અને પવિત્ર એવા શત્રુંજય ગિરિરાજની દર વર્ષે ફાગણ સુદ -13 ના રોજ છ ગાઉની મહાયાત્રા યોજાય છે. આ વર્ષે તારીખ 23 માર્ચ ના રોજ ફાગણ સુદ-13 ની છ ગાઉં ની આ યાત્રા યોજાશે. આ યાત્રા કરવા દેશભર માંથી લાખો ભાવિકો પાલીતાણા શત્રુંજય પર્વત ખાતે ઉમટી પડે છે. અલગ અલગ શહેરોમાંથી વિશેષ પ્રાઇવેટ બસો, ટ્રેન અને ખાનગી ફોરવિહલ લઈને ભાવિકો મોટી સંખ્યામાં આગલા દિવસે પહોંચતા હોય છે.
શત્રુંજયની છ ગાઉં ની યાત્રા પૂર્વે શેઠ આણંદજી કલ્યાણજી પેઢી ની તૈયારી
આ યાત્રા કરવા દેશભર માંથી લાખો ભાવિકો પાલીતાણા શત્રુંજય પર્વત ખાતે ઉમટી પડે છે. જેને લઈને યાત્રા દરમિયાન કોઈ પણ યાત્રિકોને અગવડ ન પડે તેની તમામ પ્રકારની સુવિધા પૂરી પાડવાની કામગીરી શેઠ આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા છેલ્લા બે માસથી કરવામાં રહી હતી. જેમાં યાત્રા રુટ ની સાફ સફાઇ તેમજ સુરક્ષા માટે જરૂરી સગવડો, સિક્યોરીટી, યાત્રાળુઓ માટે સ્વાસ્થ્ય માટે ડૉક્ટરી સુવિધા આદિ તમામ પ્રકાર ની તૈયારીઓ કરવામાં આવી છે.
કચ્છી જૈન સમાજ એક દિવસ પૂર્વે યાત્રા યોજાશે.
આ વર્ષે ફાગણ સુદ 13 બે આવતી હોવાથી કચ્છી જૈન સમાજ દ્વારા એક દિવસ પૂર્વે એટલે તારીખ 22 માર્ચ ના રોજ યાત્રા કરવામાં આવશે. જેને લઈને શેઠ આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા સમગ્ર યાત્રા માટે 2 દિવસ ની તૈયારી કરવામાં આવી છે.
સ્થાનિકો માટે ઢેબરીયા તેરસનો મેળો
જૈન સમાજ માટે અતિ ઉત્તમ ગણાતો આ ફાગણ સુદ તેરસ નો દિવસ અને આ દિવસે શત્રુંજય ગિરિરાજ ની યાત્રા નું ઘણું મહત્વ છે પરંતુ સૌરાષ્ટ્ર અને પાલીતાણા આસપાસ ના ગામો ના સ્થાનીકો પણ આ દિવસ ને ઢેબરીયા તેરસનો મેળો તરીકે ઉજવે છે. આ દિવસે સ્થાનિકો પણ મોટી સંખ્યા માં શત્રુંજય ના આદિનાથ દાદા અને ભાડવા ના ડુંગર પર આવેલ દેરી ઓના દર્શને ઉમટી પડે છે.
પુણ્યનું ભાથું બાંધવા અદભૂત અને પાવનકારી યાત્રા
જૈન સમાજમાં ફાગણ સુદ ૧૩ ના પાલિતાણા શેત્રુંજય ગિરિરાજ પર છ’ગાઉ યાત્રા કરવાનું વિશેષ મહત્વ છે. લોક માન્યતા અનુસાર ફાગણ સુદ- તેરસ ના દિવસે શ્રી કૃષ્ણના પુત્ર શામ્બ અને પ્રધ્યુમ્ન સાડા આઠ કરોડ મુનિઓ સાથે આ પર્વતમાળામાં આવેલ ભાડવા ના ડુંગર પરથી મોક્ષ પામ્યા હતા. જેથી જૈન સમાજ માં આ યાત્રાનું આ દિવસે અનેરું મહત્વ રહેલું છે. જેથી આ દિવસે દેશભરમાંથી હજારો જૈનો પાલિતાણા ઉમટી પડી છ’ગાઉની યાત્રા કરી પુણ્યનું ભાથું બાંધે છે. આ વખતે તારીખ 23 માર્ચ ના રોજ વહેલી સવારથી યાત્રાળુઓ ” જય જય આદિનાથ ” ના નાદ અને જૈન શાસન ના જયઘોષ સાથે છ’ગાઉની પવિત્ર યાત્રાનો પ્રારંભ કરશે.
શાશ્ચત તીર્થ શત્રુંજયની પાવનકારી યાત્રા
શાશ્ચત તીર્થ શત્રુંજયની પાવનકારી યાત્રા તમામ જૈન પરિવારો અવારનવાર કરતાં હોય છે. પરતું જૈન સમાજ માં ચાતુર્માસ દરમિયાન પવિત્ર એવા શત્રુંજય ગિરિરાજ ની યાત્રા કરાતી નથી. જેને લઈને ચાતુર્માસ સિવાય ના તમામ દિવસો માં સામાન્ય પાલીતાણા માં યાત્રિકો નો ઘસારો રહેતો જ હોય છે પરંતુ ફાગણ સુદ 13 ના દિવસે આ છ ગાઉં ની મોટી યાત્રા ગણાય છે, જેનું અનેરું મહત્વ હોવાથી આ દિવસે દેશ વિદેશમાંથી જૈન – જૈનેતરો લાખોની સંખ્યામાં પાલીતાણા ખાતે ઉમટી પડતાં હોય છે.
જય તળેટી અને સિધ્ધ વડ
છ ગાઉં ની યાત્રા નો પ્રારંભ શત્રુંજય તીર્થ ની જય તળેટી ખાતે થી જ થાય છે. જ્યાં તળેટી દર્શન કરી, બાબુ ના દેરાસર, જળ મંદિર, સમવસરણ, હિંગળાજ નો હડો, પદ્માવતી દેવી નું મંદિર, રામ પોળ થઈ શ્રી આદિનાથ દાદા ના દર્શન કરી દેવકીના 6 પુત્રો ની દેરી અને ઉલ્કાજળ, ચંદન તલાવડી, ભાડવાનો ડુંગર અને છેલ્લે સિધ્ધ વડ ખાતે આ યાત્રા ની પૂર્ણાહુતિ થાય છે.
ખુલ્લા પગે અને ભોજન પાણી ના ઉપયોગ વગર થતી આ યાત્રા
જૈન સમાજ ની આ અતિ પવિત્ર યાત્રા જેમાં 6 ગાઉં એટલે કે 19 કિલોમીટર ની આ પગપાળા યાત્રા દરમિયાન જૈન અને જૈનેતરો ભોજન પાણી નો ત્યાગ રાખતા હોય છે અને સિધ્ધવડ ખાતે અનોખી વ્યવસ્થા કરાતી હોય છે.
સિદ્ધવડ ખાતે 90 જેટલા પાલ ની વ્યવસ્થા
આ યાત્રા કરનાર યાત્રાળુઓ માટે સિદ્ધવડ ખાતે શેઠ આણંદજી કલ્યાણજી પેઢી અને દેશભરના વિવિધ જૈન સંઘો અને મંડળો દ્વારા ૯૦ જેટલા પાલ ઊભા કરાયા છે, જેમાં ચા-પાણી, ઢેબરા- દહીં, ખાખરા, તરબૂચ, દ્રાક્ષ, તેમજ લીંબુ શરબત,વરીયાળી શરબત, શેરડીનો રસ, સાકર પાણી, સહિતની અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવે છે. આ ઉપરાંત ચોવિહારની પણ વ્યવસ્થા ભાવિકો માટે ઉભી કરવામાં આવે છે. આ યાત્રાળુઓનું અનેક ભાવિકો દ્વારા બહુમાન કરી સંઘપૂજન પણ કરાય છે.
છ’ગાઉની યાત્રાના માર્ગો પર કરાતી વિવિધ સુવિધા
જૈન સમાજ ની પવિત્ર એવી છ ગાઉં ની યાત્રા દરમિયાન શેઠ આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા યાત્રાળુઓને યાત્રા દરમિયાન કોઇપણ પ્રકારની અગવડ ન પડે તે માટેની વિવિધ વ્યવસ્થા જેમ કે ઠંડા ગરમ પાણી, સિક્યુરીટીની વ્યવસ્થા, મેડીકલ વ્યવસ્થા વગેરે સેવા પૂરી પાડવામાં આવે છે.