Gujarat News: લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો સાથે રાજ્યની પાંચ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે પરંતુ વિસાવદર બેઠકની પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી નથી. દેશના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી છે. તેની સાથે ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી પણ જાહેર કરવામાં આવી છે જો કે એક બેઠક એવી છે જેના પર પેટા ચૂંટણી જાહેર નથી કરવામાં આવી. વિજાપુર, ખંભાત, વાઘોડિયા, માણાવદર, પોરબંદર અને વિસાવદર બેઠકના ધારાસભ્યોએ રાજીનામું આપતા આ બેઠકો પર પેટા ચૂંટણી કરવી પડી રહી છે. પરંતુ વિસાવદર વિધાનસભા સીટની પેટા ચૂંટણીની તારીખ જાહેર કરવામાં નથી આવી. નોધનીય છે કે ગુજરાતમાં સૌથી પહેલા વિસાવદર બેઠક જ ખાલી પડી હતી આ સીટ પરથી આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું હતું બાદમાં તે ભાજપમાં જોડાઈ ગયા હતા.
કાયદાકીય ગૂંચને કારણે પેટા ચૂંટણી અટકી
વિસાવદર વિધાનસભા સીટની પેટા ચૂંટણીની જાહેરાત નહી કરવા પાછળ એવું કારણ પણ છે કે 2022માં આ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપત ભાયાણી વીજેતા થયા હતા. ભૂપત ભાયાણીના ફોર્મમાં ક્ષતિ હોવાની ફરિયાદ સાથે હાઈકોર્ટમાં પિટીશન કરવામાં આવી હતી. ભૂપત ભાયાણીના ઉમેદવારી પત્રો સંબંધિત મામલો હાલ ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. આવી સ્થિતિમાં વિસાવદર બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત કરવામાં નહી આવી હોવાનું લાગી રહ્યુ છે. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં વિસાવદર બેઠક પરથી ભાજપના ઉમેદવાર હર્ષદ રિબડિયાને હરાવીને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપત ભાયાણી એમએલએ બન્યા હતા. ભૂપત ભાયાણીએ 7 હજાર 63 મતે ચૂંટણી જીતી હતી. ભૂપત ભાયાણીએ બે વર્ષ અગાઉ ભાજપ પાર્ટી છોડી હતી. તેઓ તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્ય પણ રહી ચૂક્યા છે.
હાઇકોર્ટમાં આ બેઠકનો મામલો વિચારાધીન
ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ગુજરાતની 5 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી જાહેર કરી છે પરંતુ વિસાવદર વિધાનસભા બેઠક પર ચૂંટણીનો કોઇ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી કેટલાક કાયદાકીય ગુંચવણ અને રાજ્યની વડી અદાલતમાં ચાલી રહેલા એક કેસને લીધે જાહેર ન થઈ હોવાનું રાજકીય જાણકારો અને મતદારો માની રહ્યા છે.
વર્ષ 2022માં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં ત્રિપાખીયો જંગ ખેલાયો હતો. ચૂંટણી પરિણામો બાદ પરાજીત થયેલા ભાજપના ઉમેદવાર હર્ષદ રીબડીયાએ ભુપત ભાયાણીની જીતને હાઇકોર્ટમાં પડકારી હતી. તેમની જીતને અમાન્ય ઠેરવવામાં આવે તેવી માંગ કરતી રીટ દાખલ કરી હતી. જે આજે પણ રાજ્યની વડી અદાલતમાં વિચારાધીન છે. જેને ધ્યાને રાખીને ચૂંટણી પંચ દ્વારા વિધાનસભા વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી જાહેર નથી કરવામાં આવી તેવો તર્ક લગાવવામાં આવે છે.
રાજ્યની છ બેઠકો ખાલી પડી
વિજાપુર બેઠક સીજે ચાવડાએ રાજીનામું આપતા ખાલી પડી, ખંભાત બેઠક ચિરાગ પટેલે રાજીનામું આપતા ખાલી પડી, વાઘોડિયા બેઠક ઘર્મેન્દ્ર વાધેલાએ રાજીનામું આપતા ખાલી પડી જ્યારે માણાવદર બેઠક અરવિંદ લાડાણીએ રાજીનામું આપતા ખાલી પડી હતી. વિસાવદર બેઠક ભુપત ભાયાણીએ રાજીનામું આપતા ખાલી છે અને પોરબંદર બેઠક અર્જૂનભાઈ મોઢવાડિયાએ રાજીનામું આપતા ખાલી પડી છે.
કોંગ્રેસનું શું કહેવું છે
વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી જાહેર ના થવા મામલે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમિપરાનું નિવેદન સામે આવ્યુ છે. તેમણે કહ્યુ કે હર્ષદ રિબડીયાએ કરેલ પિટિશન કારણભૂત હોય તો ચૂંટણી પંચે સ્પષ્ટતા કરવી જોઈએ. ભાજપને આ બેઠક પર હારની બીક છે.