Gujarat News: મૂળ ભાવનગરના વતની અને હાલ ગાંધીનગરના સિનિયર જિલ્લા તિજોરી અધિકારી તરીકે ફરજ બજાવતા બેલુરભાઈ બિપીનચંદ્ર રાવલ (ઉ.વ.૪૫)એ ગઈ કાલ તા.૧૨ના રોજ બપોરના સમયે ભાવનગરમાં અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાનું ભરતનગર પોલીસે જણાવ્યું હતું.
આ અંગેની પ્રાપ્ય વિગત અનુસાર ગાંધીનગર ખાતે સેક્ટર-૧૯માં રહેતા અને હાલ ગાંધીનગર સિનિયર તિજોરી અધિકારી તરીકે ફરજ બજાવતા બેલુરભાઈ રાવલને હજુ ૧૨ દિવસ અગાઉ પ્રમોશન મળ્યું હતું. બાદમાં, રજા લઈને તેઓ વતન ભાવનગર આવ્યા હતા. ત્રણ ભાઈઓમાં મોટા બેલુરભાઈ શહેરમાં વારાહી સોસાયટીમાં રહેતા દેવલભાઈના ઘરે રોકાયા હતા. જ્યાં ગઈકાલ તા.૧૨ માર્ચના રોજ ઢળતી બપોરે સાંજે ૪.૪૫ વાગ્યાના અરસામાં મકાનમાં ઉપરના માળે રૂમમાં છતના હુક સાથે પ્લાસ્ટિકની દોરી બાંધી તેમણે કોઈ અગમ્ય કારણોસર અંતિમ પગલું ભરી લીધું હતું.
બનાવ અંગે ભરતનગર પોલીસે તેમના ભાઈ દેવલભાઈનું નિવેદન લીધું હતું
બનાવ અંગે ભરતનગર પોલીસે તેમના ભાઈ દેવલભાઈનું નિવેદન લીધું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, બન્ને ભાઈ બપોરે સાથે જમ્યા હતા અને બપોરે ૩.૩૦ વાગ્યાના અરસામાં બન્ને પોતપોતાની રૂમમાં વામકુક્ષી માટે ગયા હતા. બાદમાં, પોતાને સોલારનો વ્યવસાય હોવાથી વ્યવસાય અર્થે જતા રહ્યા હતા. આ દરમિયાન સાંજના ૫ વાગ્યાના અરસામાં પરિવારજનો જગાડવા માટે ગયા ત્યારે ખખડાવવા છતાં બેલુરભાઈએ બારણુ નહીં ખોલતા દેવલભાઈને જાણ કરાઈ હતી. આથી તેઓ આવ્યા હતા અને લેચ-કીથી દરવાજો ખોલ્યો ત્યારે ખ્યાલ આવ્યો હતો.
તપાસ દરમિયાન પોલીસને તેમની સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જે સ્યુસાઈડ નોટ પોલીસે કબ્જે કરી છે.
તેઓએ ભાવનગરમાં તિજોરી કચેરી અને લોકલ ફંડ (એલ.એફ.)માં અધિકારી તરીકે ફરજ બજાવી હતી. સરળ, મિલનસાર અને ઉમદા સ્વભાવના અધિકારી હોવાથી બેલુરભાઈ બહોળો ચાહક વર્ગ ધરાવતા હતા. આથી તેઓએ ભરી લીધેલા આ અંતિમ પગલાથી ભારે અરેરાટી સાથે આઘાત છવાયો છે.
બનાવ અંગે ભરતનગર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એમ.સી. ચુડાસમાએ વધુ તપાસ હાથ ધરી છે.
મૃતકની સ્યુસાઈડ નોટ મળી છે : સિટી ડીવાયએસપી
તિજોરી અધિકારી બેલુરભાઈ રાવલના આપઘાત પ્રકરણમાં પોલીસે સ્યુસાઈડ નોટ કબ્જે કરી હોવાનું ભાવનગર સિટી ડીવાયએસપી આર.આર. સિંઘાલે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ છે કે, મૃત્યુ માટે કોઈ જવાબદાર નથી. અને તેમના પત્નીને સલાહ આપતા પુત્રને સાચવવાની, તેનું ધ્યાન રાખવાની ભલામણ કરી છે.