Gujarat News: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને આપી રાષ્ટ્રીય ધોરીમાર્ગો માટે ૧૫૭૫ કરોડ રૂપિયાના ત્રણ પ્રોજેક્ટ્સની ભેટ
સમગ્ર દેશમાં રૂ. ૧ લાખ કરોડથી વધુની ૧૧૪ માર્ગ વિકાસ પરિયોજનાઓના લોકાર્પણ-શિલાન્યાસ વડાપ્રધાન એ હરિયાણાથી વર્ચ્યુઅલી કર્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરથી સહભાગી થયા
ગુજરાતના મહત્વપૂર્ણ ત્રણ પ્રોજેક્ટ
• અમદાવાદમાં રૂ. ૧૨૯૫ કરોડના ખર્ચે સાબરમતી નદી પર ૮ માર્ગીય શાસ્ત્રી બ્રિજ સહિત નારોલ થી સરખેજ જંક્શન સિક્સ લેન એલિવેટેડ કોરિડોર.
• નેશનલ હાઈવે-૫૮ પર વાવ ચોકડી-સતલાસણા-ખેરાલુ સુધીના ૨૩ કિલોમીટરના માર્ગને રૂ. ૧૫૧ કરોડના ખર્ચે ફોર લેન કરાશે.
• અમરેલીના ગાવડકા ચોકડીથી બગસરા સુધીના ૧૯ કિલોમીટર માર્ગને રૂ. ૧૨૯ કરોડના ખર્ચે ૧૦ મીટર પહોળો કરાશે.
ગુજરાતમાં એક દાયકામાં કેન્દ્ર સરકારે રૂ. ૬૬ હજાર ૪૭૦ કરોડના ૧૯૯ પ્રોજેક્ટને મંજૂરી આપી છે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રે નવો ઇતિહાસ સર્જતા એક જ દિવસમાં રૂ. ૧ લાખ કરોડથી વધુની ૧૧૪ પરિયોજનાઓના હરિયાણાથી વર્ચ્યુઅલી લોકાર્પણ-શિલાન્યાસ કર્યા હતા.
વડાપ્રધાન એ આ પરિયોજનાઓ પૈકી ગુજરાતને ૧૫૭૫ કરોડ રૂપિયાના કુલ ૫૩ કિલોમીટરના ત્રણ કામોની ભેટ આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ અવસરે ગાંધીનગરમાં આયોજિત કાર્યક્રમમાં સહભાગી થયા હતા.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે પ્રોજેક્ટ્સની ભેટ ગુજરાતને આપી છે તેમાં કુલ ૫૩ કિલોમીટર લંબાઇના ત્રણ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.
પ્રથમ પ્રોજેક્ટ
પ્રથમ પ્રોજેક્ટ અન્વયે અંદાજે રૂ. ૧૨૯૫ કરોડના ખર્ચે અમદાવાદ શહેરમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૪૭ પર સાબરમતી નદી પર ૮ માર્ગીય શાસ્ત્રી બ્રિજ સહિત નારોલ જંકશનથી સરખેજ જંકશન સુધી ૧૦.૬૩૦ કિલોમીટરના ૬ માર્ગીય એલિવેટેડ કોરિડોરનું બાંધકામ કરાશે.
નારોલ થી સરખેજ સુધીનો આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૪૭ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાંથી પસાર થાય છે. અમદાવાદ શહેરી વિસ્તાર જુહાપુરા અને નારોલ વિશાલા વચ્ચેથી પસાર થતો હોવાથી ત્યાં ટ્રાફિક જામની ભારે સમસ્યા સર્જાય છે તથા ક્રોસ ટ્રાફિકના કારણે થતા અકસ્માતના લીધે બ્લેકસ્પોટ બને છે.
આ સમસ્યાઓનું નિવારણ કરવા માટે તથા ઈંધણ અને સમયની બચત માટે વિશાલા થી સરખેજ સુધીના હાઇવે પર એલીવેટેડ કોરીડૉર બનાવવાનું ભારત સરકાર દ્વારા નક્કી કરાયું છે. આ રસ્તા પર સાબરમતી નદી પરના હયાત શાસ્ત્રી બ્રીજના સ્થળે નવા ૮ માર્ગીય પુલનો પણ સમાવેશ કરવામાં આવેલ છે.
બીજા પ્રોજેક્ટ
બીજા પ્રોજેક્ટ અંતર્ગત રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૫૮ વાવ ચોકડી, સતલાસણા થી વૃંદાવન ચોકડી, ખેરાલુ સુધીના ૨૩.૦૦ કિમીહયાત બે માર્ગીય રસ્તાને ચાર માર્ગીય કરણની કામગીરી ભારત સરકાર દ્વારા રૂ. ૧૫૧ કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવી છે. આ ૨૩ કિમીનો રસ્તો હાલ ટુ લેન છે અને આગળ પાછળના રસ્તા ૪ લેનના હોઈ આ રસ્તા પર ભારે વાહનોનું આવન જાવન હોય છે અને આ પ્રોજેકટ પૂર્ણ થતાં આ રસ્તો સંપૂર્ણ રીતે ૪ માર્ગીય બનશે.
આ રસ્તો મુખ્ય જિલ્લા સ્થળ, ઔદ્યોગિક, પ્રવાસી અને ધાર્મિક સ્થળો મહેસાણા, વડનગર, પાલનપુર, તારંગા વન્યજીવન, આંબાઘાટા ક્વોરી, દાંતા અને અંબાજી મંદિર તેમજ ઉત્તર ગુજરાત અને રાજસ્થાન રાજ્ય વચ્ચેની મુખ્ય કડી તરીકે પણ કામ કરે છે અને આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ જાણીતા અંબાજી મંદિર સુધી ચાર માર્ગીય કનેક્ટિવિટી મળશે.
ત્રીજો પ્રોજેક્ટ
ત્રીજો પ્રોજેક્ટ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લા માટે મંજુર થયો છે તેમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં-૩૫૧ ના ગાવડકા ચોકડી થી બગસરા સુધીના ૧૯.૯૭૩ કિ. કિલોમીટરની લંબાઈના રસ્તાનુ રૂપિયા ૧૨૯ કરોડના ખર્ચે ૧૦ મીટર પહોળો કરવાની કામગીરી હાથ ધરાશે. રસ્તાની આ લંબાઈમા મહુવા, સાવરકુંડલા, અમરેલી, રાજુલા પીપાવાવ પોર્ટ વગેરે રુટ ઉપર થી બગસરા, વડિયા અને જેતપુર તરફ જતા વાહનો પસાર થાય છે. અને મહુવા બંદર કેન્દ્રથી કુંડલાથી અમરેલીથી બગસરા જેતપુર N.H. સાથે જોડાયેલ રૂટ વચ્ચેનું એક મહત્વપૂર્ણ આંતરરાજ્ય જોડાણ છે. ત્યાં ઘણા બધા મુખ્ય મથક, જિલ્લા સ્થળ છે અને વેપાર કેન્દ્ર મત્સ્યઉદ્યોગ અને દરિયાઈ ઉત્પાદન અને પોલ્ટ્રી ફાર્મ તરીકે વિકસિત છે. આર્થિક પ્રવૃત્તિમાં સુધારો કરવા માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ લિંક હશે જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૫૧ અને અને ૨૭ વચ્ચેની કનેક્ટિવિટી પૂરી પાડશે.
આ ૩ પ્રોજેકટોના ખાતમુહૂર્ત ઉપરાંત રાજ્યમાં હાલ અમદાવાદ-ગાંધીનગર એસ.જી. હાઇવે ૬ માર્ગીયકરણ, ઓખા અને બેટ દ્વારકાને જોડતો સુદર્શન સેતુ,રા.ધો. ૩૪૧ ના ભુજ થી ધરમશાળાના સેકશન ને ૧૦ મીટર પહોળો કરવાની કામગીરી,વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે પર વડોદરા-ભરૂચ સેક્શન,રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૭૫૧ પર પીપળી થી ભાવનગરનું ૪ માર્ગીયકરણ, વગેરે જેવા કામોનું લોકાર્પણ અગાઉ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૨૭ પર સામખીયાળી થી સાંતલપુર ધોરીમાર્ગનું ૬ માર્ગીયકરણ,રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૧૪૭ પર ઇસ્કોન જંકશન થી સાણંદ જંકશન વચ્ચે ૪ કિ.મી.ના એલિવેટેડ કોરીડોરનું ૫૩૦ કરોડના ખર્ચે નિર્માણ,રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૧૬૮-જી પર મહેસાણા થી ઇડર રસ્તાના કુલ ૮૧.૩૦૦ કિ.મી. રસ્તાનું ૧૧૫૫ કરોડના ખર્ચે ચાર માર્ગીયકરણ, ચિલોડા નજીક સાબરમતી નદી પર ૬૮ કરોડના ખર્ચે ૮ માર્ગીય બ્રીજની કામગીરી જેવા કામોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવેલું છે તેનાથી ગુજરાતના વિકાસને એક નવી ગતિ મળી છે.
અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારે ગુજરાત માટે પાછલા એક દાયકામાં કુલ રૂ. ૬૬ હજાર ૪૭૦ કરોડના ૧૯૯ જેટલા માર્ગ-વિકાસ પ્રોજેક્ટ મંજૂર કરેલા છે.
મુખ્ય સચિવ રાજકુમારે આ અવસરે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રનું મજબૂતીકરણ અને નવીનીકરણ ગુજરાતના વિકાસને ગતિ આપશે. હાલમાં ગુજરાતમાં એન.એચ. એ.આઇ. હસ્તકના ૧૦૩૭ કિ.મી. ના રૂ. ૩૧,૦૭૬ કરોડના કામો તથા રાજ્ય સરકાર હસ્તકના રાષ્ટ્રીય ધોરી માર્ગના ૬૩૮ કિ.મી ના કુલ રૂ. ૪,૧૬૨ કરોડના કામો પ્રગતિ હેઠળ છે તેની પણ તેમણે વિગતો આપી હતી.
અમદાવાદ પશ્ચિમનાં સાંસદ કિરીટભાઇ સોલંકીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં ધારા સભ્ય અમિતભાઈ ઠાકર, સરદાર ચૌધરી, માર્ગ મકાન વિભાગના સચિવ એ. કે. પટેલ, ખાસ સચિવ સી. આર. પટેલીયા, એન.એચ.એ.આઈ. અને રાજ્યના માર્ગ મકાન વિભાગના ઉચ્ચ અઘિકારીઓ, કોર્પોરેટ ઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.