Gujarat News:આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત આજે બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકા મથકે નારી શક્તિ વંદના કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. જેમાં સરકારશ્રીની મહિલા સશક્તિકરણની ફ્લેગશીપ યોજનાઓથી આર્થિક રીતે પગભર બનેલી મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી. આજના નારી શક્તિ વંદના કાર્યક્રમમાં તમામ તાલુકા મથકોએ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના વર્ચ્યુઅલી સંબોધનને સાંભળ્યું હતું. નારી શક્તિ વંદના કાર્યક્રમ અંતર્ગત આજે પાલનપુરના ટાઉન હોલ ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત આ લોકોએ આપી હાજરી
માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અને માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિકસિત ભારત-વિકસિત ગુજરાત-નારી શક્તિ વંદના કાર્યક્રમનું પાલનપુર નગરપાલિકા ટાઉનહોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન (NRLM) તેમજ રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન (NULM) અંતર્ગત સ્વસહાય જૂથોની મહિલાઓને વિવિધ સહાય વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વ્હાલી દિકરી યોજના, અટલ પેન્શન યોજના, મિશન મંગલમ યોજના, કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ, સ્ટાર્ટ અપ ફંડ, રિવોલ્વિંગ ફંડ, ટર્મ લોન, ગંગા સ્વરૂપ યોજના જેવી વિવિધ યોજનાઓના મહિલા લાભાર્થીઓને ચેક અને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વિશિષ્ટ કામગીરી કરતી સરપંચ મહિલાઓ, બાલિકા પંચાયત, શિક્ષણ, નારી સરંક્ષણ કેન્દ્ર, ઓર્ગેનિક ખેતી જેવી વિવિધ ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં પાલનપુરના ધારાસભ્યશ્રી અનિકેતભાઈ ઠાકરે માતાઓ અને બહેનોને હૃદયપૂર્વક વંદન કરતાં જણાવ્યુ કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્વસહાય જૂથોની બહેનોને મજબૂત કરી આત્મનિર્ભર બનાવી છે.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટરશ્રી વરુણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવે, સંગઠનના પદાધિકારીઓ અને આગેવાનો તથા મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.