Supreme Court: શું સંસદ કે વિધાનસભામાં ભાષણ આપવા અથવા મતદાન કરવા માટે લાંચ લેવા બદલ સાંસદો અને ધારાસભ્યો કાર્યવાહીથી મુક્ત છે? હવે આ અંગે દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યો છે. નોટના બદલામાં વોટ કેસમાં ઐતિહાસિક નિર્ણયમાં, સુપ્રીમ કોર્ટે તેના 1998 ના નરસિમ્હા રાવના ચુકાદાને ઉલટાવી દીધો છે. તેમણે સાંસદો અને ધારાસભ્યોને કાનૂની રક્ષણ આપવાનો ઇનકાર કર્યો હતો.
સુપ્રીમ કોર્ટની સાત જજોની બેંચે કહ્યું કે, સંસદસભ્યો કે ધારાસભ્યો ગૃહમાં મતદાન માટે લાંચ લઈને કાર્યવાહીથી બચી શકે નહીં. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે, લાંચ પર કોઈ છૂટ આપી શકાય નહીં. તમને જણાવી દઈએ કે, 1998માં 5 જજોની બંધારણીય બેંચે 3:2ની બહુમતીથી નિર્ણય લીધો હતો કે, આ માટે જનપ્રતિનિધિઓ પર કેસ ચલાવી શકાય નહીં.
સર્વસંમતિથી આપવામાં આવેલા એક મહત્વપૂર્ણ નિર્ણયમાં, CJI ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું કે, વિધાનસભાના સભ્ય દ્વારા કરવામાં આવતો ભ્રષ્ટાચાર અથવા લાંચ જાહેર જીવનમાં પ્રામાણિકતાને નષ્ટ કરે છે. લાંચને કોઈ સંસદીય વિશેષાધિકાર દ્વારા સુરક્ષિત નથી. CJIએ કહ્યું કે, ધારાસભ્યો દ્વારા ભ્રષ્ટાચાર અને લાંચ ભારતીય સંસદીય લોકશાહીની કામગીરીને નષ્ટ કરે છે.
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની 7 સભ્યોની બેન્ચે 5 ઓક્ટોબર, 2023ના રોજ આ મામલે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. 1998માં આપવામાં આવેલા નિર્ણયમાં સાંસદો અને ધારાસભ્યોને ગૃહમાં ભાષણ આપવા અથવા મતદાન માટે લાંચ લેવા માટે પણ કાર્યવાહીમાંથી મુક્તિ આપવામાં આવી હતી. દેશની રાજનીતિને હચમચાવી દેનાર જેએમએમ લાંચ કાંડના આ નિર્ણય પર 25 વર્ષ બાદ દેશની સૌથી મોટી અદાલત પુનર્વિચાર કરી રહી છે. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, જો સાંસદો અને ધારાસભ્યોની કાર્યવાહીમાં ગુનાહિતતા હોય તો પણ તેઓ સાંભળશે કે, શું તેમને છૂટ આપવામાં આવી શકે છે. કોર્ટે કહ્યું કે, રાજનીતિની નૈતિકતાને અસર કરતો આ મહત્વપૂર્ણ મુદ્દો છે.