Somnath: શિવરાત્રિની ઉજવણી દરમિયાન સોમનાથ મહાદેવના મંદિરે શ્રદ્ધાળુઓની ભીડને પહોંચી વળવા 6 પ્રવેશદ્વારનો ઉપયોગ કરવામાં આવશે. જેમાં ત્રણ મહિલાઓ માટે અને ત્રણ પુરુષો માટેના રહેશે. આ ઉપરાંત ભાવિકોને કોઇ તકલીફનો સામનો ન કરવો પડે તેની કાળજી રાખવામાં આવી રહી છે. તો જૂનાગઢથી લોકો સોમનાથ મહાદેવના મંદિરમાં દર્શનાર્થે જઈ શકે તે વાતને કેન્દ્રમાં રાખી જૂનાગઢ-સોમનાથ વચ્ચે વધારાની STની બસો દોડાવાશે.
સલામતીને લઈને કોઈ ચૂક ન રહી જાય તે માટે અહીં મંદિર રક્ષક દળને એસી કેબિનની સુવિધા આપવામાં આવી છે. કોઇ શિવ મંદિરે આ રીતે એસી કેબિન હોય તેવું સંભવતઃ આ પ્રથમ મંદિર હશે. વેરાવળ વિભાગના એસ.ટી. બસ ડેપો મેનેજર દિલીપભાઈ શામળાએ કહ્યું કે સોમનાથ-જૂનાગઢ વચ્ચે અત્યારથી જ વધારાની દસ બસો દોડાવવાનું શરૂ કરી દીધું છે. જરૂર પડયે 25થી 30 બસ દોડાવવાની તૈયારી છે. મંદિરની આસપાસના વિસ્તારોને ધૂળની ડમરીમાંથી મુક્ત કરવા માટે હાલમાં સંપાદિત કરેલી જમીનમાં બ્લોક બેસાડવાની કામગીરી 100થી વધુ શ્રમિકો કરી રહ્યા છે.