ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે બે મેચની ટેસ્ટ સીરીઝ રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયન ટીમ આ શ્રેણીની પ્રથમ મેચમાં ખૂબ જ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. કેમેરોન ગ્રીનની સદીએ આમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. કેમરન ગ્રીને આ મેચમાં પોતાની સદી સાથે ઓસ્ટ્રેલિયન ટીમ માટે રેકોર્ડ ઇનિંગ્સ રમી હતી. આ દરમિયાન તેણે ઝડપી બોલર જોશ હેઝલવુડ સાથે પણ રેકોર્ડ બનાવ્યો હતો. કેમેરોન ગ્રીન અને જોશ હેઝલવુડે શુક્રવારે ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા માટે 10મી વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી કરીને ઈતિહાસ રચ્યો હતો. ગ્રીન-હેઝલવુડની જોડીએ વેલિંગ્ટન ટેસ્ટના બીજા દિવસે 10મી વિકેટ માટે 116 રનની ભાગીદારી કરી હતી.
ગ્રીન અને હેઝલવુડે ઈતિહાસ રચ્યો
કેમેરોન ગ્રીન અને જોશ હેઝલવુડની જોડીએ 2004માં બ્રિસ્બેનમાં ન્યૂઝીલેન્ડ સામે 10મી વિકેટ માટે જેસન ગિલેસ્પી અને ગ્લેન મેકગ્રા દ્વારા બનાવેલી 114 રનની ભાગીદારીનો રેકોર્ડ તોડ્યો હતો. આ સ્ટેન્ડ ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ક્રિકેટમાં 10મી વિકેટ માટે છઠ્ઠી 100 રન અથવા વધુ ભાગીદારી હતી. ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ડિફેન્ડિંગ ચેમ્પિયનની આ મેચમાં શરૂઆત બહુ સારી રહી ન હતી પરંતુ ટીમે તેની પ્રથમ ઇનિંગમાં કુલ 383 રન બનાવ્યા હતા.
આ દરમિયાન ગ્રીને 174 રનની અણનમ ઇનિંગ રમી હતી જે ઓસ્ટ્રેલિયાને મજબૂત ટોટલ પર લઈ ગઈ હતી. યુવા ઓલરાઉન્ડરે શાનદાર ઇનિંગ રમી, દિવસની છેલ્લી ઓવરમાં તેની બીજી ટેસ્ટ સદી પૂરી કરી. ત્યારબાદ શુક્રવારે તેણે હેઝલવુડ સાથે આક્રમક વલણ અપનાવ્યું હતું. ટેસ્ટ ક્રિકેટમાં ગ્રીનની આ બીજી સદી હતી. અગાઉ ગયા વર્ષે તેણે અમદાવાદમાં ભારત સામે ઓસ્ટ્રેલિયા માટે 114 રનની ઇનિંગ રમી હતી.
અત્યાર સુધીની મેચ કેવી રહી?
ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 383 રન બનાવ્યા હતા. જવાબમાં કિવી ટીમે એક સમયે માત્ર 29 રનના સ્કોર પર 5 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ ગ્લેન ફિલિપ્સે તેમને આ સ્થિતિમાંથી બહાર કાઢ્યા અને ટીમ 179 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ. આ દરમિયાન ફિલિપ્સે માત્ર 70 બોલમાં 71 રનની ઝડપી ઇનિંગ રમી હતી. કિવી ટીમના પ્રથમ દાવ બાદ ઓસ્ટ્રેલિયાને 204 રનની લીડ મળી હતી. આ લીડના કારણે ન્યુઝીલેન્ડની ટીમ ખૂબ જ દબાણમાં હતી, પરંતુ ટીમના કેપ્ટન ટિમ સાઉથીએ બોલથી આગેવાની કરી અને સ્ટીવ સ્મિથ અને માર્નસ લાબુશેનને પેવેલિયનમાં મોકલ્યા, ઓસ્ટ્રેલિયા સાથે બીજા દિવસની રમત 13/2 પર સમાપ્ત થઈ.