છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના મોટા ભાગના શહેરોમાં રાત્રિના લઘુત્તમ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે જ્યારે દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે અને ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે. એક તરફ શિયાળાની વિદાય માટે ઘડિયાળના કાંટે ગણતરી થઈ રહી છે તો બીજી તરફ જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે માર્ચ મહિનાને લઈને મોટી આગાહી કરી છે.
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતના કેટલાક ભાગોમાં આગામી બે દિવસમાં એટલે કે 27મી ફેબ્રુઆરી સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે.
માર્ચ મહિના અંગે અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે આગામી મહિનાની 1થી 5 તારીખ સુધી વાતાવરણમાં અણધાર્યા ફેરફાર થઈ શકે છે.
આ સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદ પડી શકે છે. જ્યારે મધ્ય ગુજરાતમાં 20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ખાસ કરીને કચ્છમાં પવનની ઝડપ વધુ રહેશે.
જે બાદ 7 થી 12 માર્ચની વચ્ચે વાતાવરણમાં મોટો પલટો આવી શકે છે. આ સમયગાળા દરમિયાન પવનના તોફાન અને મોસમી વરસાદની સંભાવના રહેશે. જો કે 15 માર્ચથી મહત્તમ તાપમાનમાં વધારો થશે. 20મી અને 21મી માર્ચની વચ્ચે જ્યારે સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં આવશે ત્યારે ગરમીનો પ્રારંભ થશે.
આજના મહત્તમ અને લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો આજે રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન વેરાવળમાં 34.2 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 11.2 ડિગ્રી નોંધાયું હતું.