યુવાનોમાં વધતા જતાં હ્રદય રોગને દેશના સ્વાસ્થ્યનિષ્ણાતો ખૂબ જ ગંભીર માની રહ્યા છે
હાલના સમયમાં યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે, જેના કારણે ફરી ડરનો માહોલ ઊભો થયો છે. સોશિયલ મીડિયા પર ગાજિયાબાદના એક જીમનો વીડિયો ખૂબ ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે, જેમા એક યુવક ટ્રે઼ડ મિલ પર દોડી રહ્યો હતો તે દરમ્યાન જ હાર્ટ એટેકથી મોત થયું હતું. એજ રીતે યુપીના ઈટાવામાં અગ્નિવીરની ભરતી દરમ્યાન દોડમા સામેલ થયેલા એક 22 વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હતું. યુવાનોમાં વધતા જતાં હ્રદય રોગને દેશના સ્વાસ્થ્યનિષ્ણાતો ખૂબ જ ગંભીર માની રહ્યા છે.
ડાયેટિશિયનની સલાહ લીધી વગર ક્યારેય સ્ટેરોઈડ લેવા જોઈએ નહી.
નિષ્ણાતોના કહેવા પ્રમાણે યુવાનોમાં હાર્ટ એટેક આવવા પાછળ કેટલાય કારણો જવાબદાર છે. પરંતુ વધારે માત્રામાં સ્ટેરોઈડ લેવાનું કારણ પણ મહત્વનું ગણી શકાય છે. સુંદર બોડી બનાવવાના ચક્કરમાં યુવાનો હાર્ટ એટેકનું જોખમ નોતરે છે. અપ્રશિક્ષિત જીમ ટ્રેનર્સના કારણે યુવાનોમાં હાર્ટ એટેકનું જોખમ વધી રહ્યું છે. ડોક્ટરોના કહેવા પ્રમાણે સ્ટેરોઈડનું સેવન કરવાથી શરીર કેટલાય પ્રકારની આડઅસર પેદા થાય છે. આ ઉપરાંત હાલમાં નકલી સ્ટેરોઈડ પણ બજારમાં મળી રહ્યા છે જે ખૂબ જ ખતરનાક છે. તેથી ડાયેટિશિયનની સલાહ લીધી વગર ક્યારેય સ્ટેરોઈડ લેવા જોઈએ નહી.
હાર્ટ એટેક માટે લાઈફ સ્ટાઈલ કેટલી જવાબદાર…
હ્રદય રોગની બીમારીને દાયકા પહેલા વધતી ઉંમર સાથે થનારી સમસ્યા તરીકે માનવામાં આવતી હતી. પરંતુ કોરોનાકાળ પછી નાની ઉંમરના લોકોમાં હાર્ટ એટેકના રોગની સમસ્યા વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે. ડોક્ટરો કહે છે કે, પહેલા 50 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં હાર્ટ એટેક જેવા લક્ષણો જોવા મળતા હતા. પરંતુ હવે નાની ઉંમરના બાળકોમાં પણ હાર્ટ એટેકના બનાવો બની રહ્યા છે. જેમા મોટાભાગના લોકોમાં સુગર, કોલેસ્ટ્રોલ, બ્લડપ્રેશર, વધારે પડતું વજન જેવા કેટલાક રોગોનું પ્રમાણ વધી રહ્યુ છે.
કોરોના બાદ શરીરમાં બાયોલોજીક ઘણા ફેરફાર આવ્યા છે.
ડોક્ટરનું કહેવું છે કે કોવિડ બાદ લોકોમાં અનિયમિતતા, તણાવ, ડાયટ હેબિટ, ધુમ્રપાન, મોડી રાત સુધી જાગવું વગેરે મુખ્ય કારણો માનવામાં આવે છે. કોરોના બાદ શરીરમાં બાયોલોજીક ઘણા ફેરફાર આવ્યા છે. જેમા યુવાનોના વજન વધી રહ્યા છે. આ ઉપરાંત 23-24 વર્ષના બાળકોને બાયપાસ સર્જરી કરાવવી પડતી હોય છે. ઉપરાંત બાળકોમાં સ્ટ્રેસનું લેવલ પણ ઘણુ વધેલું હોય છે.
મોબાઈલનો વધુ પડતો ઉપયોગ, જંકફુડ વધારે પ્રમાણમાં લેવું હાનિકારક
લાઈફ સ્ટાઈલ વિશે ડોક્ટર કહે છે કે, મોબાઈલનો વધુ પડતો ઉપયોગ, જંકફુડ વધારે પ્રમાણમાં લેવું ખૂબ જ હાનિકારક છે. બાળકોને ફિટનેસ અને આઉટડોર ગેમની કમી પણ કારણભૂત છે. તેના કારણે શરીર વધી જવું અને સતત મોબાઈલ જોવાથી હાર્ટબીટમાં વધારો જોવા મળે છે. આ ઉપરાંત જે લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા, તેના શરીરમાં ઘણો ફેરફાર થયો છે. તેના કારણે આવી ઘટનાઓ વધારે બની રહી છે..