અમેરિકામાં રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદની દાવેદાર નિક્કી હેલીએ દાવો કર્યો છે કે ભારત અમેરિકાનું સાથી બનવા માંગે છે, પરંતુ હજુ સુધી ભારતને અમેરિકા પર સંપૂર્ણ વિશ્વાસ નથી. નિક્કી હેલીએ એમ પણ કહ્યું કે ભારત ખૂબ જ સમજદારીપૂર્વક રશિયા સાથે નિકટતા જાળવી રહ્યું છે. એક મીડિયા ચેનલને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન નિક્કી હેલીએ કહ્યું કે ભારત હાલમાં અમેરિકાને એક નેતા તરીકે નબળું માને છે.
ભારતને નેતા તરીકે અમારા પર વિશ્વાસ નથી’
રિપબ્લિકન પાર્ટીની રાષ્ટ્રપતિ પદની દાવેદાર નિક્કી હેલીએ કહ્યું, ‘મેં ભારત સાથે ડીલ કરી છે અને વડાપ્રધાન મોદી સાથે પણ વાત કરી છે. મને લાગે છે કે ભારત અમારી સાથે ભાગીદારી કરવા માંગે છે અને તેઓ રશિયા સાથે જવા માંગતા નથી, પરંતુ સમસ્યા એ છે કે ભારતને અમારા પર વિશ્વાસ નથી. તેઓ નેતા તરીકે અમારા પર વિશ્વાસ કરતા નથી. તેઓ અમને નબળા માને છે. ભારતે હંમેશા સમજદારીથી કામ કર્યું છે અને તેથી જ તેમણે રશિયા સાથે નિકટતા જાળવી રાખી છે કારણ કે તેઓ તેમની સેના માટે સાધનો રશિયા પાસેથી જ ખરીદે છે.
‘અમેરિકાએ તેની નબળાઈઓ દૂર કરવી જોઈએ’
હેલીએ કહ્યું કે ‘જ્યારે આપણે ફરીથી નેતૃત્વ કરવાનું શરૂ કરીએ છીએ અને આપણી નબળાઈઓને દૂર કરીએ છીએ અને ભારત, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ઈઝરાયેલ, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા અમારા સહયોગી દેશો પણ તે જ ઈચ્છે છે. ચીનના વધતા ખતરાને જોતા જાપાને ચીન પરની પોતાની નિર્ભરતા ઘટાડવા માટે અબજો ડોલરનો ખર્ચ કર્યો છે. એ જ રીતે ભારતે પણ ચીન પરની નિર્ભરતા ઘટાડવા માટે અબજો ડોલરનો ખર્ચ કર્યો છે. અમેરિકાએ તેના સાથીઓ સાથે મળીને કામ કરવું જોઈએ.
ચીન અંગે ચિંતા વ્યક્ત કરતા હેલીએ કહ્યું કે ચીનની આર્થિક સ્થિતિ સારી નથી અને તે અમેરિકા સાથે યુદ્ધની તૈયારી કરી રહ્યું છે. જોકે આ તેમની ભૂલ હશે.