મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા મુકામે નર્મદા આધારિત કુલ-૪ જૂથ સુધારણા પાણી પુરવઠા યોજનાના રૂ.૨૪૧.૩૪ કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ કામોના લીધે ધાનેરા, દાંતીવાડા અને ડીસા તાલુકાના ૧૧૯ ગામો અને ધાનેરા શહેરની ૩,૯૧,૦૦૦ વસ્તીને પીવાના શુદ્ધ પાણીનો લાભ મળશે.
-
કોરોના સંક્રમણ કાળમાં પણ ગુજરાતની વિકાસયાત્રા અટકી નથી
-
પ૦૦ કરોડના ખર્ચે ડીસા અને લાખણી તાલુકાના ૧૫૬ ગામોને નર્મદાનું પાણી અપાશે
-
દાંતા અને પાલનપુરના ૧૫૨ ગામોને ધરોઈ ડેમ આધારીત
સુધારણા યોજનાના રૂ. ૭૧ કરોડના કામો કરાશે
- ગુજરાતના જળભંડાર સમૃદ્ધ બનાવવા રાજય સરકારે
વિરાટ અભિયાન હાથ ધર્યું છે
-
અન્ય જિલ્લાની જેમ બનાસકાંઠા જિલ્લામાં પણ છેવાડાના વિસ્તારો સુધી ઘેર ઘેર નળ દ્વારા પાણી આપવામાં આવશે
-
મજબૂત ઈચ્છાશક્તિ અને સુદ્રઢ આયોજનના લીધે વિકાસકામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ અમે જ કરીએ છીએ
-
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનથી ગુજરાતને વૈશ્વિક કક્ષાએ મોડેલ સ્ટેટ બનાવાયું છે
-
પ્રજાની સુવિધા, સુખાકારી અને સર્વાંગી વિકાસ માટે અમારી સરકાર મક્કમ રીતે કટિબદ્ધ છે
-
ગુજરાતમાં છેલ્લા ચાર-પાંચ માસમાં રૂ. ૧૭,૦૦૦ કરોડથી વધુના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે
આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પ્રાસંગીક પ્રવચન કરતા જણાવ્યું કે પ્રજાની સુવિધા, સુખાકારી અને સર્વાંગી વિકાસ માટે અમારી સરકાર મક્કમ રીતે કટિબદ્ધ છે.
કોરોના સંક્રમણ કાળમાં પણ ગુજરાતની વિકાસયાત્રા અટકી નથી એમ જણાવતાં મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે પ્રજાકલ્યાણ માટે મજબૂત ઇચ્છાશક્તિ અને સુદ્રઢ આયોજનના લીધે વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ અમે જ કરીએ છીએ.
તેમણે કહ્યું કે સરકારશ્રીના દરેક અભિગમ અને અભિયાનમાં પ્રચંડ જનસમર્થન મળે છે પરિણામે તમામ ક્ષેત્રોમાં વણથંભી વિકાસયાત્રા સફળતાપૂર્વક આગળ વધી રહી છે.
મુખ્યમંત્રીશ્રીએ બનાસકાંઠા જિલ્લા માટે મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું કે, રૂ. પ૦૦ કરોડના ખર્ચે ડીસા અને લાખણી તાલુકાના ૧૫૬ ગામોને નર્મદાનું પાણી અપાશે.
તેમણે કહ્યું કે, દાંતા અને પાલનપુરના ૧૫૨ ગામો માટે ધરોઈ ડેમ આધારીત સુધારણા યોજનાના રૂ. ૭૧ કરોડના કામો કરાશે.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનથી ગુજરાતને વૈશ્વિક કક્ષાએ મોડેલ સ્ટેટ બનાવવું છે.
ગુજરાતના જળ ભંડારને સમૃધ્ધ બનાવવા દર વરસે સુજલામ સુફલામ યોજના દ્વારા વિરાટ પ્રયાસો કરવામાં આવે છે પરિણામે આવનારા દિવસોમાં ગુજરાત પાણીદાર બનશે.
છેલ્લાં ચાર-પાંચ માસમાં ગુજરાતમાં રૂ.૧૭,૦૦૦ કરોડથી વધુ રકમના વિકાસકામોનુ લોકાર્પણ અને ખાતમુર્હત કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લાના લોકોએ ભૂતકાળમાં પાણી માટે અપાર મુશ્કેલીઓ વેઠી છે પરંતુ હવે રાજ્ય સરકારના પ્રજા કલ્યાણ માટેના વિરાટ અભિયાનની લીધે બનાસકાંઠામાં પીવાના પાણીની શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ બનાવાઇ છે.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં છેવાડાના વિસ્તારો સુધી ઘેર ઘેર નલ થી જળ અભિયાન દ્વારા પાણી આપવામાં આવશે. તેમણે કહ્યું કે, ઊર્જા ક્ષેત્રની જેમ ગુજરાત પાણીના ક્ષેત્રમાં વોટર સરપ્લસ સ્ટેટ બન્યું છે.
સાંસદશ્રી પરબતભાઇ પટેલે જણાવ્યું કે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને અત્યારે આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી બનાસકાંઠા જિલ્લામાં નર્મદાના નીરની પધરામણી થઇ હતી પરિણામે લોકોની આવક, સુખાકારી અને સમૃદ્ધિમાં વધારો થયો છે.
તેમણે કહ્યું કે આ સરકારે પીવાના પાણી સહિત જરૂરી તમામ વિકાસકામો મોટા પ્રમાણમાં કર્યા છે.
પ્રારંભમાં સ્વાગત પ્રવચન પાણી પુરવઠા વિભાગના પ્રિન્સીપલ સેક્રેટરીશ્રી ધનંજય દ્વિવેદીએ કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્યો સર્વશ્રી શશીકાંતભાઈ પંડ્યા, શ્રી કિર્તીસિહ વાઘેલા અને શ્રી નાથાભાઇ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ગુમાનસિંહ વાઘેલા, પૂર્વ મંત્રીશ્રી હરજીવનભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્યશ્રી મફતલાલ પુરોહિત, કલેક્ટરશ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અજય દહીયા, પ્રાંત અધિકારીશ્રી યોગેશ ઠક્કર, પાણી પુરવઠા બોર્ડના અધિક્ષક ઈજનેરશ્રી આર.એમ.મહેરીયા, કાર્યપાલક ઇજનેર શ્રી ડી. એમ. બુંબડીયા અને શ્રી મામતોરા સહિત અધિકારીઓ અને સારી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
CM OFFICE GUJARAT , VIJAYBHAI RUPANI, BANASKANTHA