કેન્દ્ર સરકારે ગુરુવારે તેનું વચગાળાનું બજેટ રજૂ કર્યાના એક દિવસ બાદ શુક્રવારે ગુજરાત સરકારનું 2024-25નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કુલ રૂ. 3.32 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું હતું, જેમાં કોઈ નવો કર લાદવામાં આવ્યો નથી.
નાણામંત્રી કનુભાઈ દેસાઈએ 2024-25 માટે 3,32,465 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટ ગયા વર્ષની સરખામણીએ રૂ. 31,444 કરોડ (10.44 ટકા) વધુ છે.ખૂબ જ છે.
બજેટ બનાવતી વખતે મહિલા શક્તિને મુખ્ય સ્થાને રાખવામાં આવી હતી.
રાજ્ય સરકારે 146.72 કરોડના અંદાજિત સરપ્લસ સાથે બજેટ રજૂ કર્યું હતું અને તેમાં કોઈ નવો કર લાદ્યો ન હતો. કનુભાઈ દેસાઈએ તેમના વક્તવ્યમાં ગુજરાત માટે ઘણી યોજનાઓ અને પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, બજેટ તૈયાર કરતી વખતે રાજ્ય સરકારે જ્ઞાન, ગરીબ, યુવા, અન્નદાતા અને મહિલા શક્તિને પોતાના કેન્દ્રમાં રાખ્યા છે.
નમો લક્ષ્મી યોજના હેઠળ છોકરીઓને 50,000 રૂપિયા મળશે
બજેટમાં ‘નમો લક્ષ્મી’ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી, જે હેઠળ સરકારી સહાયિત અને ખાનગી શાળાઓમાં ધોરણ 9 થી 12 સુધી અભ્યાસ કરતી છોકરીઓને તેમના શિક્ષણના ચાર વર્ષમાં 50,000 રૂપિયા આપવામાં આવશે. આ કાર્યક્રમ માટે બજેટમાં 1,250 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
સગર્ભા સ્ત્રીઓ માટે નમો શ્રી યોજનાની જાહેરાત
આ ઉપરાંત ‘નમો શ્રી’ યોજનાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ યોજના હેઠળ પછાત અને ગરીબ વર્ગની ગર્ભવતી મહિલાઓને 12,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. બજેટમાં આ માટે 750 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
સાત નગરપાલિકાઓ મ્યુનિસિપલ કોર્પોરેશન બનશે
આ સાથે જ નાણામંત્રી કનુભાઈ દેસાઈએ નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા અને સુરેન્દ્રનગર-વઢવાણ એમ સાત નગરપાલિકાને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાની પણ જાહેરાત કરી હતી.
બજેટમાં જન રક્ષક યોજનાની જાહેરાત
બજેટમાં ‘જન રક્ષક’ યોજનાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ સ્કીમમાં 112 ડાયલ કરીને પોલીસ અને ફાયર બ્રિગેડ સહિતની તમામ ઈમરજન્સી સેવાઓ એક સાથે પહોંચી શકાય છે.
બજેટમાં ચોથા અને પાંચમા તબક્કામાં સાબરમતી પરના હાલના રિવરફ્રન્ટને ગાંધીનગરના GIFT-સિટી સુધી લંબાવવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. બજેટમાં મોટર વ્હીકલ એક્ટ અને સ્ટેમ્પ ડ્યુટીની કેટલીક જોગવાઈઓને સરળ બનાવીને નાગરિકોને રૂ. 754 કરોડની રાહત આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.