મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના સૌ નાગરિક ભાઇ-બહેનો અને દેશ-વિદેશમાં વસેલા ગુજરાતી પરિવારોને દિપાવલી પર્વ અને વિક્રમ સંવતના નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવી છે.
મુખ્યમંત્રીશ્રીએ શુભેચ્છાઓ પાાઠવતાં જણાવ્યું છે કે, પર્વો-ઉત્સવો-તહેવારો ઉમંગ અને ઉલ્લાસ સાથોસાથ સમાજજીવનમાં નવી તાજગી અને ચેતનાનો સંચાર કરતા હોય છે.
તેમણે દિપાવલીના પર્વને અંધકારથી પ્રકાશ અને ઊજાસ તરફના પ્રયાણ પર્વ વર્ણવતાં આ ઊજાસ પર્વ સૌના અંતરમનના તિમિર દૂર કરી સુખ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય સુખાકારી અને વિકાસના ઓજ તેજ પ્રત્યેકના જીવનમાં પ્રગટાવે તેવી મંગલ કામનાઓ વ્યકત કરી છે.
મુખ્યમંત્રીશ્રીએ વિક્રમ સંવતનું નૂતન વર્ષ સૌ માટે ખૂબ સમૃદ્ધિવાળું નિવડે તેવી શુભેચ્છા આપતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, કોરોનાની મહામારી વચ્ચે આપણે સૌ નિયમોનું પાલન કરી દિપાવલી પર્વ ઉજવીએ.
શ્રી વિજયભાઇ રૂપાણીએ સંયમ સાથે ઉત્સવો ઉજવવા અને સાથોસાથ કોરોનાથી દૂર રહેવા હાર્દભરી અપિલ કરતાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, દો ગજ કી દૂરી જેવા નિયમો અવશ્ય પાળવા પણ અનુરોધ કર્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ હારશે કોરોના – જિતશે ગુજરાતનો સંકલ્પ નૂતન વર્ષે ચરિતાર્થ કરવાની પ્રેરણા આપતાં સૌને દિવાળી-નૂતનવર્ષની શુભેચ્છાઓ આપી છે.
CM OFFICE GUJARAT VIJAY RUPANI, DIWALI