20મી જાન્યુઆરીથી 22મી જાન્યુઆરી સુધી તમામ જિલ્લામાં આયોજન
આમ આદમી પાર્ટી દ્વારા સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું
21 જાન્યુઆરીએ ગુજરાતના તમામ જિલ્લાઓમાં રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે: ઈસુદાન ગઢવી
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતાં જણાવ્યું કે, આગામી 22 જાન્યુઆરીના રોજ ભગવાન શ્રીરામના રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. ત્યારે સ્વાભાવિક છે કે લોકોમાં એક ઉત્સવનો માહોલ હોય. કારણ કે ભગવાન રામ આપણા આસ્થાનું કેન્દ્ર છે.
પ્રભુ શ્રીરામ જ્યારે વનવાસ જઈ રહ્યા હતા ત્યારે ભરતને કહ્યું હતું કે કોઈપણ નાનામાં નાનો માણસ દુઃખી ન રહેવો જોઈએ, માતા બહેનો દીકરીઓની સુરક્ષા થવી જોઈએ. આ રીતના ભગવાન શ્રીરામના રામરાજ્યની પરિકલ્પના અંતર્ગત આમ આદમી પાર્ટી થોડું ઘણું કામ કરી રહી છે. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આમ આદમી પાર્ટીનું ગુજરાત પ્રદેશ સંગઠન ત્રણ દિવસીય કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહી છે.
20 જાન્યુઆરીના રોજ શનિવારે તમામ જિલ્લા અને મહાનગરપાલિકાના મથકો પર સુંદરકાંડનું આયોજન કરવા જઈ રહ્યા છીએ. 21 જાન્યુઆરીના રોજ રવિવારે તમામ તાલુકાઓમાં રામધૂનનું આયોજન કરવામાં આવશે અને પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે એટલે કે સોમવારે 22 જાન્યુઆરીના રોજ તમામ જિલ્લા તથા મહાનગરપાલિકાઓમાં મહા આરતી, આખો દિવસ રામધૂન અને એક પંડાલ બાંધીને મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવશે.
આ કાર્યક્રમોમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સિવાય ભગવાન શ્રીરામને માનવાવાળા તમામ લોકો ઉપસ્થિત રહેશે.
સમગ્ર દેશ રાહ જોઈ રહ્યો હતો કે, રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થાય અને દેશમાં રામરાજ્ય આવે. આપણે પણ આશા રાખીએ છીએ કે જો ભગવાન રામની કૃપા હોય તો 2027 બાદ ગુજરાતમાં પણ રામરાજ્યની શરૂઆત થશે. જેથી ગુજરાતના ખેડૂતો, ગરીબો, વંચિતોનું ભલું થાય. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ત્રણ દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ કાર્યક્રમો દરમિયાન આપણે પ્રાર્થના કરીશું કે તમામ નાગરિકોને સારું આરોગ્ય મળે, સારું શિક્ષણ મળે, માતા બહેન દીકરીઓને મોંઘવારીથી રાહત મળે, ગરીબો અને વંચિતો માટે સારી વ્યવસ્થા થાય.
અમે હંમેશા માનીએ છીએ કે ભગવાન રામની બાબત હોય કે કોઈ પણ ધાર્મિક બાબત હોય તેમાં ક્યારેય પણ કોઈપણ પ્રકારની રાજનીતિ કે પક્ષા પક્ષિ ન હોવી જોઈએ. રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ અમે આશા રાખીએ છીએ કે દરેક નેતાઓ એવો સંકલ્પ લે કે ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનાવીશું, લોકોને સારું શિક્ષણ આપીશું, સારું આરોગ્ય આપીશું, ગરીબો વંચિતો અને શોષીતોને ન્યાય અપાવવાની વાત કરી છે.