ગુજરાતી ગાયિકા કિંજલ દવેએ ગાયેલા ગીત ‘ચાર ચાર બંગડી’ ફરી એકવાર ચર્ચામાં છે. સેશન્સ કોર્ટે આ ગીત ગાવા બદલ કિંજલ દવેને સબક સમાન એક લાખ રૂપિયાનો આકરો દંડ ફટકાર્યો છે. ત્યારે જાણો શું છે સમગ્ર મામલો.
ચાર ચાર બંગડીવાળી ગાડી ગીતથી ફેમસ થનાર ગુજરાતી સિંગર કિંજલ દવે મુશ્કેલીમાં મુકાઈ હતી. આ જ ગીત મામલે કિંજલ દવેને કોર્ટે ઘણીવાર નોટિસ ફટકારી હતી. જે ગીતથી કિંજલ દવેને જબરજસ્ત લોકપ્રિયતા મળી તે જ ગીત મામલે કિંજલ દવેને સિટી સિવિલ કોર્ટે 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. 7 દિવસની અંદર ₹.1 લાખ અરજદારને ચૂકવવા કોર્ટનો ઓર્ડર કર્યો છે. ઉલ્લેખનીય છે કે, કિંજલ દવેએ કોર્ટમાં બિનશરતી માફી માંગી હતી જો કે, કોર્ટે કહ્યું કે,- “કિંજલ દવેએ હજારો લોકો સામે આ ગીત ગાયું છે અને પૈસા કમાવ્યા છે માટે માફી યોગ્ય નહીં”
ઓસ્ટ્રેલિયાના ગુજરાતી સિંગર કાર્તિક પટેલે સિટી સિવિલ કોર્ટમાં ચાર ચાર બંગડી વાળા ગીતના કોપીરાઈટ મામલે વાંધો ઉઠાવ્યો હતો. મુળ આ ગીતના રચયિતા અને સિંગર એવા ઓસ્ટ્રેલિયાના સિંગર કાર્તિક પટેલ જે ચાર ચાર બંગડી વાળા ગીત પોતાનુ હોવાનો દાવો કરી રહ્યો હતો. કાર્તિક પટેલે તેના વકીલ મારફતે કોમર્શિયલ કોર્ટમાં અરજી કરી હતી. જે બાદ કોર્ટે કિંજલ દવેને જાહેર કાર્યક્રમોમાં ચાર બંગડીવાળી ગાડી લઈ દઉ ગીત ગાવા પર મનાઈ ફરમાવી હતી કિંજલ દવેએ પોતે તેની ઉલટતપાસમાં કબૂલ્યું છે કે, તેણે નવરાત્રિ 2023માં 20થી 25 વખત આ ગીત ગાયું છે. કિંજલ દવેએ એવો બચાવ કર્યો કે, તેણે આ ગીત ભારતની બહાર ગાયું છે, તેથી કોર્ટનો પ્રતિબંધ તેવા કિસ્સામાં લાગુ ના પડે. કોર્ટે તેના આ બચાવને ફગાવતાં પ્રતિવાદી તરફથી બિનશરતી માફી મંગાઇ હતી.
કોર્ટે જણાવ્યું કે, માત્ર માફી માંગવી પૂરતી નથી પરંતુ જાણીબુઝીને કરાયેલા અદાલતી તિરસ્કારના આ કૃત્ય બદલ શિક્ષા થવી જરૂરી છે. આમ કહીં કોર્ટે કિંજલ દવેને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો અને તે સાત દિવસમાં વાદીને ચૂકવી આપવા ફરમાન કર્યું હતું