ચંદીગઢ મેયર ચૂંટણી ઇન્ડિયા એલાયન્સની પ્રથમ ચૂંટણી
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ મીડિયા સમક્ષ એક અત્યંત મહત્વપૂર્ણ એલાન કરતા જણાવ્યું હતું કે ઈન્ડિયા એલાયન્સ તેની પ્રથમ ચૂંટણી લડવા જઈ રહ્યું છે. 18 જાન્યુઆરીએ યોજાનારી ચંડીગઢ મેયરની ચૂંટણી કોઈ સામાન્ય ચૂંટણી નથી. આ એક એવી ચૂંટણી છે જે આ દેશના રાજકારણનું ભાગ્ય, ચિત્ર, દશા અને દિશા બદલી નાખશે. આ ચૂંટણી આગામી 2024ની લોકસભા ચૂંટણીનો પાયો નાખશે. તેમ જણાવેલ.
ઈન્ડિયા એલાયન્સ પ્રથમ વખત ચૂંટણી મેદાનમાં ભાજપનો સામનો કરવા જઈ રહી છે. આ ચૂંટણી ઈન્ડિયા વિરુદ્ધ ભાજપની પ્રથમ ચૂંટણી તરીકે ઓળખાશે. ઈન્ડિયા એલાયન્સ ચંદીગઢ મેયરની ચૂંટણી પૂરી તાકાત સાથે લડશે અને ઐતિહાસિક અને નિર્ણાયક જીત નોંધાવશે. આ જીત માત્ર ચંદીગઢ પુરતી સીમિત નહીં રહે, તે કાશ્મીરથી કન્યાકુમારી અને મણિપુરથી મુંબઈ સુધી જશે તેમ તેઓએ જણાવ્યું છે.
જ્યારે પણ ટીમ ઈન્ડિયાએ દુનિયાની કોઈપણ ટીમનો સામનો કર્યો હોય ત્યારે ભારતીયોએ હંમેશા ટીમ ઈન્ડિયાને જીત અપાવી છે. 18મી જાન્યુઆરીની ચંદીગઢની ચૂંટણીમાં ભારતીયો એક થઈને ઈન્ડિયાને જીતાડશે. આ ચૂંટણી પછીનું સ્કોરકાર્ડ “ઈન્ડિયા એક અને ભાજપ શૂન્ય” હશે. તેવો વિશ્વાસ પણ વ્યકત કર્યો છે. 18 જાન્યુઆરીએ ઈન્ડિયા એલાયન્સ ક્લીન સ્વીપ કરીને વિજયી થશે અને પછી 2024ની લોકસભા ચૂંટણીની આ શરૂઆત હશે.
આનાથી બીજી મોટી વાત સાબિત થશે કે જો ઈન્ડિયા ગઠબંધન એકસાથે ચૂંટણી લડે તો એક અને એક બે નહીં પરંતુ એક અને એક અગિયાર થશે. ઈન્ડિયા એલાયન્સની જીતનો એક સંદેશ દેશના ખૂણે ખૂણે પહોંચશે કે લોકોને તાનાશાહ અને નીકમ્મી ભાજપ સરકારથી આઝાદી જોઇએ છે. જે ઈન્ડિયા સાથે ટકરાશે તે ચૂર ચૂર થવાનો આશાવાદ અંતમાં વ્યક્ત કર્યો હતો.