ગૃહમંત્રીના મોટા બહેન રાજેશ્વરીબેન છેલ્લા કેટલાક વખતની બિમાર હતા
ગૃહમંત્રીએ આજે તેમના તમામ કાર્યક્રમો રદ્દ કર્યા
મૃતદેહને અમદાવાદ લવાયા બાદ બપોરે સદ્ગતની સ્મશાનયાત્રા નીકળી
કેન્દ્રીય ગૃહમંત્રી શાહના મોટા બહેનનું આજે વહેલી સવારે મુંબઇ ખાતેની હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન થતા શાહ પરિવાર શોકાતુર બન્યો છે. ગૃહમંત્રીના મોટા બહેનના અવસાનના કારણે ગૃહમંત્રીએ આજે તેમના તમામ કાર્યક્રમો રદ્દ કર્યા હતા. ત્યારે ગૃહમંત્રીના મોટા બહેન રાજેશ્વરીબેન છેલ્લા કેટલાક વખતની ફેફસાની બિમારીના કારણોસર મુંબઇની રિલાયન્સ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
પરંતુ તેઓની સારવાર કારગત ન નીવડતા આજે વહેલી સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. બાદમાં તેઓના મૃતદેહને અમદાવાદ લવાયો હતો અને બપોરે સદ્ગતની સ્મશાનયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો અને સગા-સંબંધીઓ તથા કાર્યકરો જોડાયા હતા. પાર્થિવ દેહને થલતેજના સ્મશાનગૃહમાં લઇ જવાયો હતો જ્યાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સદ્ગત રાજેશ્વરીબેનનો જન્મ ૧૮-૩-૫૮ના રોજ થયો હતો અને તેઓ ૬૬ વર્ષના હતા. અત્રે એ નોંધનીય છે કે, આજે ગૃહમંત્રીના સાબરકાંઠા અને બનાસકાંઠામાં કેટલાક કાર્યક્રમો હતા.