- કેજરીવાલને 18 જાન્યુઆરીએ એજન્સી સમક્ષ હાજર થવા ફરમાન
દિલ્હી દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે ED સતત મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન્સ જારી કરી રહ્યું છે. ED એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં પૂછપરછ માટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ચોથી વખત સમન્સ જારી કર્યા છે. EDએ આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલને 18 જાન્યુઆરીએ એજન્સી સમક્ષ હાજર રહેવા ફરમાન કરવામાં આવ્યું છે.
અગાઉ, અરવિંદ કેજરીવાલને 3 જાન્યુઆરીએ હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ તેમણે ત્રીજા સમન્સની પણ અવગણના કરી હતી અને ED સમક્ષ હાજર થયા નથી. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને અત્યાર સુધીમાં ચાર સમન્સ મળ્યા છે.
તેને ગયા વર્ષે 2 નવેમ્બર અને 21 ડિસેમ્બરે પણ હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું. જ્યારે આ વર્ષે 3 જાન્યુઆરીએ કહેવાયુ હતું અને હવે તેમને 18 જાન્યુઆરીએ બોલાવવામાં આવ્યા છે.
ત્યારે હવે સવાલ એ થાય છે કે શું અરવિંદ કેજરીવાલ છેલ્લા ત્રણ વખતની જેમ આ વખતે પણ સમન્સની અવગણના કરશે અને EDને પત્ર લખીને નોટિસનો જવાબ આપશે. અરવિંદ કેજરીવાલે દરેક વખતે EDની નોટિસને ગેરકાયદે અને અસ્પષ્ટ ગણાવી છે. આમ આદમી પાર્ટીનો આરોપ છે કે નોટિસ અરવિંદ કેજરીવાલને પ્રચાર કરતા રોકવાનો પ્રયાસ છે. AAPએ કહ્યું કે અરવિંદ કેજરીવાલ એજન્સીને સહકાર આપવા તૈયાર છે પરંતુ દાવો કર્યો કે તેમની ધરપકડ કરવાના ઈરાદાથી સમન્સ મોકલવામાં આવ્યા છે. હવે અરવિંદ કેજરીવાલ ED સમક્ષ હાજર થાય છે કે નહીં તેના પર તમામની નજર 18 જાન્યુઆરી પર રહેશે.