- ગુજરાતમાં કુલ 98,540 પ્રોજેક્ટ માટે રૂપિયા 45,20,646 કરોડના MOU થયાની ઘોષણા
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરી MOUનો ચિતાર રજૂ કર્યો
ત્રણ દિવસને અંતે શુક્રવારની સાંજે સમાપનની સાથે જ 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ- 2024એ બે દાયકાના બધાજ રેકોર્ડ તોડીને ઈતિહાસ રચ્યો છે. ગાંધીનગરમા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં 10મી VGSમાં ગુજરાતમાં કુલ 98,540 પ્રોજેક્ટ માટે રૂપિયા 45,20,646 કરોડના MOU થયાની ઘોષણા કરી હતી.
મહાત્મા મંદિરમાં ગૃહમંત્રી અમિત શાહ, જમ્મુ અને કાશ્મીરના લેફ્ટન્ટ ગવર્નર મનોજ સિંહા સહિત ગણમાન્ય મહાનુભાવો, ઉદ્યોગકારોની ઉપસ્થિતિમાં સમાપન સમારોહને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઈબ્રન્ટ સમિટની 10મી કડી સમૃદ્ધ ભારતનું ભવિષ્ય સુનિશ્ચિત કરતો ગોલ્ડન ગેટ-વે બનીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા વિકસિત ભારત @2047ને સાકાર કરશે તેમ જણાવ્યું હતું. તેમણે સેમિકન્ડક્ટર, રિન્યૂએબલ એનર્જી, ગ્રીન હાઈડ્રોજન, EV, એરોસ્પેસ અને ડિફેન્સ ઈક્વિપમેન્ટ્સ મેન્યુફેક્ચરિંગ જેવા ઉભરતા સેક્ટર્સ માટે આ સમિટથી ગુજરાત ગેટ વે ટુ ધ ફ્યૂચરતરીકે ઊભર્યાનું જણાવી 32 જિલ્લામાં લોકલ ફોર વોકલના મંત્ર સાથે MSME ઉદ્યોગોને વિકસાવવાનું પ્લેટફોર્મ પૂરું પાડયાનું ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરી MOUનો ચિતાર રજૂ કર્યો હતો. જેમાં કોવિડ-19ને કારણે વર્ષ 2021માં સમિટમાં સ્થગિત રહ્યા બાદ વર્ષ 2022માં 57,241 પ્રોજેક્ટમાં રૂ.18.87 લાખ કરોડના MOU થયા હતા.
જ્યારે આ 10મી શૃંખલાની આગળ વધેલી 2024ની સમિટમાં સૌથી વધુ 41,299 પ્રોજેક્ટમાં રૂ.26.33 લાખ કરોડના MOU નોંધાયા છે. જે નવો રેકોર્ડ છે. 98,540 પ્રોજેક્ટ માટે રૂ.45,20,646 કરોડના MOUમાં પાંચ કંપનીઓનો હિસ્સો 19 ટકાથી વધુ થઈ રહ્યો છે.યોજાયેલ આ સમિટમાં રિલાયન્સ ગ્રૂપ રૂપિયા પાંચ લાખ કરોડ, અદાણી રૂપિયા બે લાખ કરોડ અને NTPCએ રૂ.90,000 કરોડ, ટોરેન્ટ ગ્રૂપ દ્વારા રૂ.48,000 કરોડ, વેલસ્પન ગ્રૂપ રૂ.40,000 કરોડ એમ કુલ મળીને આ પાંચ કંપનીઓ જ રૂપિયા 8.78 લાખ કરોડથી વધારે મૂડીરોકાણ કરવાના MOU થયા છે.