યુવાનો સોશ્યલ મિડીયાના બદલે સોશ્યલ વર્ક
કરી શક્તિશાળી રાષ્ટ્રનું નિર્માણ કરે
— કલેકટરશ્રી આનંદ પટેલ
પાલનપુર મુકામે નૂતન જીવદયા ગ્રુપ દ્વારા આયોજીત કાર્યક્રમમાં કલેકટરશ્રી આનંદ પટેલના હસ્તે ગરીબોને રાશન કીટ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે કલેકટરશ્રીએ આ ગ્રુપના યુવાનોને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે, નાના પાયાથી આ યુવાનોએ ખુબ સરસ સેવાનું કામ શરૂ કર્યુ છે.
કલેકટરશ્રીએ દિવાળીની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે, આપણી યુવાની લોકોની મુશ્કેલીઓ શોધી તેનો ઉકેલ લાવવામાં ખર્ચાય તો સમાજને ચોક્કસ ફાયદો થશે.
તેમણે કહ્યું કે યુવાનો સોશ્યલ મિડીયાના બદલે સોશ્યલ વર્ક કરી શક્તિશાળી રાષ્ટ્ર નિર્માણના સહભાગી બને.
કલેકટરશ્રીએ મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઇ પટેલ અને ર્ડા. બાબા સાહેબ આંબેડકર જેવા મહામાનવોના જીવનમાંથી પ્રેરણા મેળવી સેવા કાર્યો કરી આગળ વધવા યુવાનોને જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે, શિક્ષણથી સમૃધ્ધ અને શક્તિશાળી રાષ્ટ્રનું નિર્માણ થતું હોય છે ત્યારે સારા નાગરિકો પેદા કરવા સંસ્કારયુક્ત શિક્ષણ અનિવાર્યપણે જરૂરી છે.
કલેકટરશ્રીએ કહ્યું કે, કોરોના સંક્રમણથી રક્ષણ મેળવવા માસ્ક, સેનેટાઇઝેશનનો ઉપયોગ કરવા સહિત વાંરવાર હાથ ધોવા સહિતની કાળજી રાખવી ખુબ જરૂરી છે.
પાલનપુરના સેવાભાવી તબીબ શ્રી ર્ડા. સુરેન્દ્ર ગુપ્તાએ નૂતન જીવદયા ગ્રુપના યુવાનોની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતાં.
કાર્યક્રમમાં ગ્રુપના પ્રમુખશ્રી મયુરભાઇ બારોટ, મામલતદારશ્રી કમલભાઇ ચૌધરી અને શ્રી એલ. ડી. પરમાર, સી. બી. ગાંધી નૂતન હાઇસ્કુલના આચાર્યા શ્રીમતી અલકાબેન શાહ, અગ્રણીશ્રી છોટુભાઇ મોઢ સહિત નૂતન જીવાદયા ગ્રુપના સભ્યો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.