- ગુજરાતના મોરારી બાપુએ રામમંદિર માટે અત્યાર સુધીનું સૌથી વધુ દાન આપ્યું
- મોરારીબાપુએ રામમંદિર માટે 11.3 કરોડ રૂપિયાનું દાન આપ્યું
- હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈએ રામમંદિર નિર્માણ માટે 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું
અયોધ્યામાં રામ મંદિર સમારોહની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. ભવ્ય રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરીએ થવાનું છે અને તે જ દિવસે રામલલા ગર્ભગૃહમાં બિરાજમાન થનાર છે. ત્યારે રામ ભક્તોના દાનથી અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર નિર્માણાધીન છે અને પહેલો માળ સંપૂર્ણ રીતે તૈયાર છે, જેમાં રામલલાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. અત્યાર સુધીમાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને રામ મંદિર માટે રૂ.5500 કરોડથી વધુનું દાન મળી ગયું છે અને આ મામલે ગુજરાતીઓ સૌથી આગળ છે.
ગુજરાતમાંથી બે લોકો છે જેમણે રામ મંદિર માટે સૌથી વધુ દાન આપ્યું છે.
રામ મંદિર માટે સૌથી વધુ દાન આપનારની યાદીમાં મોરારી બાપુનું નામ ટોચ પર છે. ગુજરાતના મોરારી બાપુએ રામમંદિર માટે અત્યાર સુધીનું સૌથી વધુ દાન આપ્યું છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર મોરારીબાપુએ રામમંદિર માટે 11.3 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.
અયોધ્યામાં બની રહેલા આ ભવ્ય રામમંદિર માટે દાન આપનારાઓમાં મોરારીબાપુ બાદ સૌથી વધુ દાન આપનારા ગુજરાતના એક ઉદ્યોગપતિ પણ છે. ગુજરાતના હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાએ રામમંદિર નિર્માણ માટે 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. ફંડ એકત્રીકરણ અભિયાનના ભાગરૂપે તેમણે રામ મંદિરના નિર્માણ માટે ટ્રસ્ટને 11 કરોડ રૂપિયાનો ચેક આપ્યો હતો. ગોવિંદભાઈ ધોળકિયા ડાયમંડ કંપની શ્રીરામકૃષ્ણ એક્સપોર્ટ્સના માલિક છે. ગોવિંદભાઈ દર વર્ષે દિવાળી દરમિયાન હેડલાઈન્સમાં હંમેશા ચમકતા રહે છે, કારણ કે તેઓ તેમના સેંકડો કર્મચારીઓ અને તેમના પરિવારોને મોટી અને મોંઘી ભેટ આપે છે.
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને રામમંદિરના નિર્માણ માટે અત્યાર સુધીમાં પાંચ હજાર કરોડથી વધુનું દાન મળ્યું છે. રામમંદિર ટ્રસ્ટે દેશના 11 કરોડ લોકો પાસેથી 900 કરોડ રૂપિયા એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. પરંતુ અત્યાર સુધી ભગવાન રામના મંદિર માટે 5500 કરોડ રૂપિયાથી વધુનું દાન મળ્યું છે. આમ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અનુસાર, અત્યાર સુધીમાં લગભગ 18 કરોડ રામ ભક્તોએ રામ મંદિરના નિર્માણ માટે નેશનલ બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક અને બેંક ઓફ બરોડાના ખાતામાં લગભગ 3,200 કરોડ રૂપિયાનું સમર્પણ ફંડ જમા કરાવ્યું છે. ટ્રસ્ટે આ બેંક ખાતાઓમાં દાનમાં આપેલી રકમની એફડી કરી હતી.