વાયબ્રન્ટ સમિટનાં બીજા દિવસે “બિલ્ડીંગ વર્ક ફોર્સ ફોર ફ્યુચર: ડેવલપમેન્ટ ઓફ સ્કીલ્સ ફોર ઇન્ડસ્ટ્રીઝ 4.0 “ વિષયક સેમિનારમાં ભવિષ્ય માટે તૈયાર કરાયેલા કાર્યબળને પોષવા માટેની વ્યૂહરચના અને ડિજિટલ પરિવર્તન યુગમાં ઉદ્યોગોની માંગને પૂરી કરવા માટે ચર્ચા- વિચારણા કરવામાં આવી હતી.
સેમિનારને સંબોધતા કેન્દ્રીય શ્રમ અને ઉદ્યોગ સાહિસકતા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે, ગુજરાત જે આજે વિચારે છે, તેનું દેશ આવતીકાલે અનુકરણ કરે છે.
મંત્રીએ કહ્યું કે, દેશના ઔદ્યોગિક વિકાસમાં ગુજરાતનું યોગદાન મહત્વનું છે, ત્યારે ગુજરાતે ઉદ્યોગોને સ્કીલ્ડ મેનપાવર પૂરો પાડવા માટે શૈક્ષણિક અને તાલીમ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
પ્રધાને વધુમા જણાવ્યું હતું કે, આજે ભારતની 65 ટકા વસતીની વય 35 વર્ષ કે તેનાથી ઓછી છે. આમ, ભારત યુવા દેશ છે. વળી, 21 મી સદી એ ચોથી ઔદ્યોગિક ક્રાંતિ એટલે કે કૌશલ્યની સદી રહેશે, ત્યારે દેશના યુવાઓને ઇન્ડસ્ટ્રીઝ 4.0 માટે “સ્કીલ ઈનેબલ્ડ” બનાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.