રામલલ્લાના જન્મસ્થળ અયોધ્યામાં આગામી વર્ષોમાં દરરોજ ત્રણ લાખથી પણ વધુ મુલાકાતીઓ આવવાની શક્યતા જોવાઈ રહી છે. નોંધનીય વાત એ છે કે અયોધ્યાનું રીડેવલપમેન્ટ ઉત્કૃષ્ટ વૈશ્વિક ઉદાહરણોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ પાછળના માસ્ટર પ્લાનર દિક્ષુ કુકરેજાના જણાવ્યા અનુસાર વેટિકન સિટી, કમ્બોડિયા, જેરુસલેમ સહિતની વિદેશી જગ્યાઓ અને ભારતના તિરુપતિ અને અમ્રિતસરનો અભ્યાસ કરીને અયોધ્યાનું નવું ચિત્ર ઊભું કરવામાં આવ્યું છે.
સી. પી. કુકરેજા આર્કિટેક્ટ્સના મૅનેજિંગ પ્રિન્સિપાલ કુકરેજાએ કાર્યક્ષમ જમીનનો ઉપયોગ, ઓછામાં ઓછી ભીડ, ધર્મશાળાઓ અને હોમ સ્ટે પર ફોકસ કરવા ઉપરાંત શહેરના ઇતિહાસ અને સંસ્કૃતિને જાળવીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ કર્યું છે.
તેમણે જણાવ્યું હતું કે ‘અયોધ્યા આધ્યાત્મિક અને ધાર્મિક વારસો તેમ જ આગામી સમયમાં હૉસ્પિટૅલિટીની માગને લીધે ગ્લોબલ ટૂરિઝમ ડેસ્ટિનેશન બની શકે છે. આગામી ત્રણ-ચાર વર્ષમાં પ્રતિદિન ત્રણ લાખથી વધુ શ્રદ્ધાળુઓ અયોધ્યાની મુલાકાત લે એવી શક્યતા છે.’
દિલ્હીમાં એરોસિટી અને દ્વારકામાં ‘યશોભૂમિ’- ધ ઇન્ડિયા ઇન્ટરનૅશનલ કન્વેન્શન સેન્ટરના આર્કિટેક્ટ રહી ચૂકેલા કુકરેજાએ જણાવ્યું હતું કે ‘ભવ્ય પ્રોજેક્ટ માટે દ્રવિડિયન મંદિર સ્થાપત્યમાંથી પ્રેરણા લેવામાં આવી છે. મુલાકાતીઓના મોટા ધસારાને લીધે અયોધ્યાના રહેવાસીઓને ખલેલ ન પહોંચે એનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.’ માસ્ટર પ્લાન મુજબ અયોધ્યાનું રીડેવલપમેન્ટ ૮૫,૦૦૦ કરોડના ખર્ચે ૧૦ વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. કુકરેજાએ કહ્યું હતું કે પ્રથમ ફેઝમાં મુખ્યત્વે કનેક્ટિવિટી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.