- સાઉદી અરેબિયાના મદીના શહેરમાં સ્મૃતિ ઈરાનીના આગમનને ઐતિહાસિક માનવામાં આવી રહ્યું છે
- સ્મૃતિ ઈરાની એ ઐતિહાસિક સફરના ફોટા પણ શેર કર્યા
સાઉદી અરેબિયાની મુલાકાતે ગયેલ ભારતની મહિલા અને લઘુમતી બાબતોના પ્રધાન સ્મૃતિ ઈરાનીએ મુસ્લિમો માટે પવિત્ર શહેર મદીનાની મુલાકાત લીધી છે. આ પ્રથમ વખત છે જ્યારે કોઈ બિનમુસ્લિમ ભારતીય પ્રતિનિધિમંડળ મદીના શહેર પહોંચ્યું છે. એટલું જ નહીં, આ મદીનાની મુલાકાત દરમિયાન સ્મળતિ ઈરાનીએ હિજાબ પણ પહેર્યું ન હતું. કટ્ટર ઈસ્લામિક કાયદાઓ માટે જાણીતા સાઉદી અરેબિયાના મદીના શહેરમાં સ્મૃતિ ઈરાનીના આગમનને ઐતિહાસિક માનવામાં આવી રહ્યું છે.
સ્મૃતિ ઈરાનીએ ભારતીય હજ યાત્રિકો માટે પૂરી પાડવામાં આવતી સુવિધાઓની સમીક્ષા કરી હતી. અને ભારતીય કૂટનીતિની મોટી જીત માનવામાં આવી રહી છે. નોંધનીય છે કે સાઉદી અરેબિયાના પ્રિન્સે વર્ષ ૨૦૨૧માં મદીના શહેરને બિન-મુસ્લિમો માટે પણ ખોલ્યું હતું.
સ્મૃતિ ઈરાની એ ઐતિહાસિક સફરના ફોટા પણ શેર કર્યા હતા અને જણાવ્યું હતું કે, તેમની મદીનાની મુલાકાત ભારત અને સાઉદી અરેબિયા વચ્ચેના શ્રેષ્ઠ સંબંધોને દર્શાવે છે.
અગાઉ સ્મૃતિ ઈરાનીએ હજ ૨૦૨૪ને લઈને સાઉદી અરેબિયા સાથે દ્વિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર મુજબ ભારતીય હજ યાત્રીઓનો કુલ ક્વોટા હવે ૧,૭૫,૦૨૫ પર પહોંચી ગયો છે. આ સિવાય સ્મળતિ ઈરાનીએ ઉમરાહ માટે સાઉદી અરેબિયા ગયેલા ભારતીય લોકો સાથે મુલાકાત કરી હતી. સ્મૃતિ ઇરાનીએ હજારો ભારતીય હજ યાત્રિકોને સારી સુવિધા પૂરી પાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.