રાજ્યમાં અસલી કરતાં નકલીનો વેપલો વધ્યો હોય તેવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. નકલી અધિકારી, નકલી ઓફિસ નકલી ભરતી, નકલી પોલીસ, નકલી ટોલનાકાનો પર્દાફાશ થયો છે. ભેજાબાજો કેવા કેવા પેંતરા રચીને રૂપિયાની ગેરકાયદે કમાણી કરી લે છે તેના ચોંકાવનારા અનેક કિસ્સા સામે આવતા રહે છે. હજુ થોડા સમય પહેલાં જ મોરબીમાં નકલી ટોલનાકું પકડાયું હતું, હવે જુનાગઢમાંથી પણ નકલી ટોલનાકું પકડાયું છે.
જૂનાગઢના વંથલી નજીક આવેલા ગાદોઈ ટોલનાકે પણ અસામાજિક તત્વો દ્વારા ટોલનાકા નજીકથી વાહનોને ડાયવર્ટ કરી પૈસાનું ઉઘરાણું કરાતું હોવાનો ટોલનાકાના મેનેજર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
તો બીજી તરફ આ મામલે ગાદોઈ ગામના મહિલા સરપંચના પતિ કહી રહ્યા છે કે, ગામના રસ્તેથી વાહનચાલકોને પસાર થતા તેઓ રોકી શકે નહીં. આ બાબતે ટોલનાકાના મેનેજમેન્ટ દ્વારા ભૂતકાળમાં પણ તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
નકલી ટોલનાકું ઉભું કરી કરોડોની ઉઘરાણીનો આક્ષેપ કરાઇ રહ્યો છે. બંધ સીરામીક ફેક્ટરી ભાડે રાખી ટોલનાકું ચલાવતા હતા. પોલીસ, કલેક્ટર, અધિક કલેક્ટર, એનએચએઆઈ કે અન્ય કોઇ સરકારી વિભાગના ટોચના અધિકારીઓને જાણ સુદ્ધા નથી તો બજી તરફ કોની રહેમનજર હેઠળ આ ટોલનાકું ચાલતું હતું.