- અદાણી, મારૂતિ સુઝુકી, ટાટા, રિલાયન્સ જેવી મોટી કંપનીઓએ ગુજરાતમાં રોકાણ યોજના જાહેર કરી
- અંબાણી, અદાણી, ટાટા, સુઝુકીએ ગુજરાત માટે તિજોરી ખોલી
ગાંધીનગરમા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૨૪નું ઉદ્ઘાટન કર્યું. આ અવસર પર UAE ના પ્રમુખ મોહમ્મદ બિન ઝાયેદ સહિત વિશ્વના ઘણા નેતાઓ અને વિશ્વભરના ટોચના ઉદ્યોગ નેતાઓએ ભાગ લીધો હતો. ત્યારે દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, પંકજ પટેલ, ગૌતમ અદાણી, ટાટા ગ્રુપના એન ચંદ્રશેકરન, લક્ષ્મી મિત્તલ અને નિખિલ કામત જેવા ઉદ્યોગપતિઓએ પણ ભાગ લીધેલ છે.
વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં કંપનીઓએ ગુજરાત માટે મોટા રોકાણની જાહેરાત કરી હતી. અદાણી, મારૂતિ સુઝુકી, ટાટા, રિલાયન્સ જેવી મોટી કંપનીઓએ ગુજરાતમાં તેમની રોકાણ યોજના જાહેર કરી કેટલાકે રૂા. ૨ લાખ કરોડ તો કેટલાકે રૂા. ૩૫૦૦૦ કરોડ… અંબાણી, અદાણી, ટાટા, સુઝુકી બધાએ ગુજરાત માટે તિજોરી ખોલી હતી.
રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીએ પોતાના ભાષણની શરૂઆત ‘મોદી હૈ તો મુમકીન હૈ’ શબ્દોથી કરી હતી. તેમણે કહ્યું કે ગુજરાત હંમેશા તેમનું કાર્યસ્થળ રહ્યું છે. રિલાયન્સ હંમેશા ગુજરાતની કંપની રહી છે. મુકેશ અંબાણીએ કહ્યું કે રિલાયન્સે ભારતમાં ૧૨ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે,
જેમાંથી ત્રીજા ભાગનું રોકાણ માત્ર ગુજરાતમાં જ થયું છે. મુકેશ અંબાણીએ કહ્યું છે કે રિલાયન્સ આગામી ૧૦ વર્ષ સુધી ગુજરાતના ગ્રીન એનર્જી સેક્ટરમાં તેનું રોકાણ ચાલુ રાખશે. ૨૦૩૦ સુધીમાં, રિલાયન્સ ગુજરાતના લગભગ અડધા ગ્રીન એનર્જી વપરાશનું ઉત્પાદન કરશે. રિલાયન્સે જામનગરમાં ૫૦૦૦ એકર વિસ્તારમાં ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સનું બાંધકામ શરૂ કર્યું છે. આ રોકાણથી ગ્રીન જોબ્સનું સર્જન થશે.
અદાણી ગ્રુપે ગુજરાત માટે મોટા રોકાણની જાહેરાત કરી. વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં પોતાના સંબોધનમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ કહ્યું કે મને વિશ્વાસ છે કે ભારત ૨૦૪૭ સુધીમાં સંપૂર્ણ રીતે વિકસિત થઈ જશે. તેમણે કહ્યું કે અદાણી જૂથ વર્ષ ૨૦૨૫ સુધીમાં રૂ. ૫૫ હજાર કરોડના રોકાણના લક્ષ્ય સાથે કામ કરી રહ્યું છે, જેમાંથી રૂ. ૫૦ હજાર કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે અદાણી ગ્રુપ કચ્છના ખાવડામાં 30 GW નો રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ સ્થાપશે.
તેમણે કહ્યું કે આગામી ૫ વર્ષમાં ગુજરાતમાં ૨ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે, જેમાં ૧ લાખ લોકોને રોજગારી પણ મળશે. તેમણે કહ્યું કે અમે કચ્છમાં ૨૫ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો 30 GW ક્ષમતાનો ગ્રીન એનર્જી પાર્ક બનાવી રહ્યા છીએ, જે અવકાશમાંથી પણ જોઈ શકાશે.