ગુજરાતમાં વ્યાજખોરોના ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજકોટમાં પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરોએ છરીના ઘા મારીને એક યુવકની હત્યા કરી નાખી. આટલું જ નહીં યુવકના માતા-પિતાને પણ માર માર્યો હતો. હાલમાં પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે વિગતો મુજબ, રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં લાખના બંગલા પાસે ત્રણ શખ્સોએ સૂરજ ઠાકર નામના યુવકને છરીના ઘા મારીને રહેંશી નાખ્યો હતો.
યુવકે વ્યાજે લીધેલા રૂપિયા પાછા આવી દીધા હોવા છતાં વ્યાજખોરો વધુ રૂપિયાની માંગણી કરતા હતા. જોકે યુવકે પૈસા આપવાની ના પાડી દેતા વ્યાજખોરોએ હુમલો કરી દીધો હતો. જેમાં યુવકના માતા-પિતાને પણ માર મારતા તેઓ ઈજાગ્રસ્ત થઈ ગયા હતા.
મૃતક સુરજ ઠાકરના ભાઈ મિહિર ઠાકરે આ સમગ્ર મામલે જણાવ્યું હતું કે, મૃતકના પિતા તેજસભાઈ ઠાકરે કમલેશગીરી ગોસાઈ નામના વ્યક્તિ પાસેથી 20,000 રૂપિયા લીધા હતા. જેનો દરરોજનું વ્યાજ 200 રૂપિયા હતું. તેજસ ઠાકર જ્યારે રૂપિયા આપવા ગયા ત્યારે તેમની સાથે વ્યાજના પૈસા મામલે મારામારી કરવામાં આવી હતી. જે બાદ તેજસ ઠાકર ઘરે પરત ફર્યા હતા અને સમગ્ર બનાવની જાણ તેમના પરિવારને કરી હતી. ત્યાર બાદ મૃતક સુરજ ઠાકર તેમના પિતા તેજસ ઠાકર અને તેમની માતા સુનિતાબેન ઠાકર કમલેશ ગોસાઈના ઘરે ગયા હતા.
જે સમયે તેમનો પુત્ર જીગર ગોસાઈ હતો. જે બાદ કમલેશ ગોસાઈ અને તેમનો પુત્ર તેમના માતા અને ભાઈ પણ તૂટી પડ્યા હતા. તેમના ભાઈ સુરજને પેટના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દીધા હતા. ઈજાગ્રસ્ત સુરજને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યો હતો.