પૂર્વ કચ્છમાં ફરી એક વાર માદક પદાર્થોની હેરાફેરી પકડાઈ છે. પૂર્વ કચ્છમાંથી SOGએ 1 કરોડથી વધુના હેરોઇન અને અફીણના રસ સાથે પતિ-પત્નીન ઝડપી પાડ્યા છે. SOGએ મેઘપર બોરિચીના રહેણાંકમાંથી 1.12 કરોડની કિંમતનો હેરોઇન અને અફીણનો રસ પકડી પાડ્યો છે, સાથે આ દંપત્તિની ધરપકડ કરી છે.
પોલીસની ટીમ સંપૂર્ણ તૈયારી કરીને આ વિસ્તારમાં પહોંચી હતી. બંધ પડેલા ઘરનો દરવાજો ખટખટાવતા જગદીશ બિશ્નોઈ બહાર આવ્યા હતા. પોલીસે તેની સાથે ઘરની તલાશી લીધી હતી. રસોડું, સ્ટોરરૂમ, સ્ટોરેજ વગેરે જોયા બાદ પોલીસે અંદર જઈને અંદરના રૂમમાં ફ્રીઝરની અંદર અને ઉપર તપાસ કરી હતી.
ફ્રીઝરની ઉપરથી સિલ્વર ફોઇલ પેપરના બે વપરાયેલા રોલ અને ઝિપ લોક સાથેની પારદર્શક પ્લાસ્ટિકની થેલીઓ જોવા મળી હતી. એક થેલીમાંથી બ્રાઉન રંગનો ચીકણો પદાર્થ મળી આવ્યો હતો. બીજી થેલીમાંથી પીળો ક્રીમ રંગનો શંકાસ્પદ પદાર્થ અને એક થેલીમાં રબર બેન્ડમાં સંગ્રહિત ભૂરા રંગનું જાડું પ્રવાહી મળી આવ્યું હતું.
ઝડપાયેલ બંને રાજસ્થાનથી હેરોઇન અને અફીણનો રસ લાવીને ગાંધીધામમાં છૂટક વેચાણ કરતા હતા. પૂર્વ કચ્છ SOGએ બાતમીના આધારે આ દંપત્તિને ઝડપી પાડ્યું છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.