મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 ના પૂર્વાર્ધરૂપે ગાંધીનગર ખાતે આયોજિત પ્રિ-વાઇબ્રન્ટ હેલ્થ સમિટ ‘Holistic Healthcare’ નો શુભારંભ કરાવ્યો. રાજ્યના આરોગ્ય મંત્રી તેમજ આરોગ્ય ક્ષેત્રના દેશ-વિદેશના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ‘Good Health and Well-being for All’ થીમ પર આયોજન કરાયું.
આ કોન્ફરન્સમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશના હેલ્થકેર સેક્ટરને વિશ્વકક્ષાનું બનાવીને આત્મનિર્ભર ભારતનું લક્ષ્ય રજૂ કર્યું છે જેમાં ગુજરાત અગ્રેસર બનીને કાર્યરત છે. આયુર્વેદ અને આધુનિકતા સાથે ગુજરાતે આરોગ્ય ક્ષેત્રમાં કરેલ પ્રગતિ તેમજ રાજ્ય સરકારના પ્રયાસોના પરિણામે છેવાડાના માનવી સુધી વિસ્તરેલ આરોગ્ય સેવાઓના વ્યાપનો ચિતાર આપતાં મુખ્યમંત્રીએ ફાર્માસ્યુટિકલ અને મેડિકલ ઉપકરણોના ઉત્પાદનમાં સમગ્ર દેશમાં અગ્રેસર ગુજરાતની સિદ્ધિઓને વર્ણવી હતી.
મુખ્યમંત્રીએ આ પ્રિ-વાઇબ્રન્ટ હેલ્થ સમિટમાં થનાર સામુહિક વિચારમંથનને વડાપ્રધાનના ‘Health For All’ વિઝનને સાકાર કરવામાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.