સુરતી મોઢ વણિક સમાજના બ્રેઈનડેડ રિયાંશ યશ ગજ્જરના પરિવારે ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી 20 મહિનાના રિયાંશના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી 5 બાળકોને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.
2024ના નવા વર્ષની શરૂઆતમાં વીસ મહિનાના બાળકના અંગોનું દાન કરવામાં આવ્યું છે. સુરતી મોઢ વણિક સમાજના બ્રેઈનડેડ રિયાંશ યશ ગજ્જરના પરિવારે ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી વીસ મહિનાના રિયાંશના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ બાળકોને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, સુરતના પાલનપુર સ્થિત ઓમકાર રેસીડન્સી ખાતે રહેતા અને અડાજણમાં આવેલ HDFC બેંકમાં હોમલોન વિભાગમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવતા યશ અજયકુમાર ગજ્જરનો વીસ મહિનાનો પુત્ર રિયાંશ તા. 28 ડિસેમ્બરના રોજ રાત્રે 7 કલાકે પોતાના ઘરના પહેલા માળેથી આકસ્મિક રીતે નીચે પડી જતા માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. પિતા યશ અને અન્ય પરિવારજનોએ તેને તાત્કાલિક અમર ચિલ્ડ્રન હોસ્પિટલમાં ડૉ. મેહુલ પંચોલીની સારવાર હેઠળ દાખલ કર્યો.
પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા બંને કિડની અમદાવાદની IKDRC ને ફાળવવામાં આવી. ROTTO મુંબઈ દ્વારા લિવર મુંબઈની નાણાવટી હોસ્પિટલને ફાળવવામાં આવ્યું. રીયાંશના હૃદય અને ફેફસાના દાન કરવાની સહમતી પણ રીયાંશના માતા પિતા તેમજ પરિવારજનોએ આપી હતી, પરંતુ દેશમાં રીયાંશના બ્લડગ્રુપના નાના બાળકો હૃદય અને ફેફસાના ટ્રાન્સપ્લાન્ટ માટે રજીસ્ટર ન હોવાને કારણે હૃદય અને ફેફસાનું દાન થઈ શક્યું ન હતું.