મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં દેશના ગ્રોથ એન્જિન અને વિકાસના રોલ મોડેલ ગુજરાતમાં દેશ-વિદેશના ઉદ્યોગ-રોકાણકારોને નિવેશ માટે પ્રેરિત કરતી ‘વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024’ ના પૂર્વાર્ધ રૂપે આજે રાજ્ય સરકાર અને કેન્દ્ર-રાજ્ય સરકારના જાહેર સાહસો તેમજ અગ્રણી ઉદ્યોગગૃહો વચ્ચે રાજ્યમાં વિવિધ ક્ષેત્રોના ઉદ્યોગો સ્થાપવા માટે એક જ દિવસમાં વિક્રમજનક કુલ ₹7.17 લાખ કરોડથી વધુના સૂચિત રોકાણો માટેના 58 MoU સંપન્ન થયા હતા. રાજ્યના વરિષ્ઠ મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં થયેલ આ MoU થી રાજ્યના વિકાસની ગતિ તેજ થવાની સાથોસાથ આગામી દિવસોમાં 3.70 લાખથી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઊભી થશે.
મુખ્યમંત્રીએ એક જ દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ રોકાણ માટેના MoU થવાની આ ગૌરવરૂપ ઘટનાને રાજ્યના ઈતિહાસમાં સિદ્ધિરૂપ ગણાવી હતી.
તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમ્યાન ગુજરાતને વેપાર-ઉદ્યોગના ગ્લોબલ મેપ પર અગ્રેસર રાખવાના હેતુથી વર્ષ 2003 માં શરૂ કરવામાં આવેલ વાઈબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતાને પગલે આજે ગુજરાત દેશ-વિદેશના રોકાણકારો માટે નિવેશનું પસંદગીનું સ્થળ બન્યું છે. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં રોકાણો માટે આવતા નિવેશકો માટે #EaseOfDoingBusiness ના પ્રો-એક્ટિવ એપ્રોચ સાથે શક્ય તમામ સહાય કરવા માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવાની સાથે #VGGS2024 માં સહભાગી થવાનું સૌ ઉદ્યોગકારોને આમંત્રણ પાઠવ્યું હતું.