રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા સિરિયલમાં સીતા માતાનો રોલ કરનાર દિપીકા ચીખલિયાએ પ્રધાનમંત્રી મોદીને કરી ખાસ અપીલ, કહ્યું મંદિરમાં ભગવાન રામને એકલા ન રાખશો. 22મી જાન્યુઆરીએ રામ મંદિરનું ઉદ્ઘાટન આમંત્રણ મળતા ભાવુક થયા સિરિયલના સીતા માતા
પ્રધાનમંત્રી મોદીને કરી ખાસ અપીલ
આગામી 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલા મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા સમારોહની સાથે જ દેશના કરોડો ભક્તોની 500થી વધુ વર્ષની આતુરતાનો અંત આવશે. ભારતમાં સૌથી મોટા ઉત્સવના રૂપમાં 22મી તારીખે ઉજવણી તૈયારીઓ કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રીએ પણ લોકોને અપીલ કરી છે કે 22મી તારીખે દીપ પ્રજ્વલિત કરીને દિવડાં પ્રગટાવો. રામલલાનો આટલો મોટો ઉત્સવ હોય અને ભગવાન રામની સૌથી લોકપ્રિય સિરિયલ એટલે કે રામાનંદ સાગરની રામાયણનો ઉલ્લેખ ન થાય એ કઈ રીતે શક્ય છે. દાયકાઓ જૂની આ સિરિયલની લોકપ્રિયતા આજે પણ લોકોમાં જોવા મળે છે. કોરોના વાયરસના લોકડાઉનમાં દેશના કરોડો લોકોએ ફરી આ સિરિયલ જોઈ.
ભાવુક થયા દિપીકા ચીખલિયા
રામમંદિરના ઉદ્ઘાટન પહેલા રામાયણ સિરિયલમાં સીતા માતાનો રોલ કરનાર દિપીકા ચીખલિયાએ પ્રધાનમંત્રી મોદીને ખાસ અપીલ કરી છે. એક મીડિયા અહેવાલ અનુસાર દિપીકાએ કહ્યું છે કે 22મી જાન્યુઆરી મારા માટે ઐતિહાસિક દિવસ રહેશે. કારણ કે 500 વર્ષ બાદ ભગવાન રામ અયોધ્યા આવી રહ્યા છે. મારા માટે આ ભાવુક ક્ષણ છે.
દિપીકા ચીખલિયાને સમારોહમાં સામેલ થવા માટે આમંત્રણ મળતા તેઓ ઘણા ઈમોશનલ થઈ ગયા હતા. તેમણે કહ્યું કે મને આશા નહોતી કે મને બોલાવવામાં આવશે પરંતુ RSSની ઓફિસથી મને ફોન આવ્યો કે તમારે પણ કાર્યક્રમમાં આવવાનું છે.
રામજીને એકલા ન રાખશો: દિપીકા
જોકે દિપીકા ચીખલિયા દુખી છે કે ભગવાનના મંદિરમાં ભગવાન રામની સાથે સીતાજીની મૂર્તિ નથી. તેમણે કહ્યું કે મને હંમેશા એવું હતું કે રામજીની બાજુમાં સીતાજીની મૂર્તિ હશે જ. જોકે આવું ન થયું તેનો મને અફસો છે. હું પીએમ મોદીને વિનંતી કરું છું કે અયોધ્યામાં ભગવાન રામની સાથે સીતાજીની મૂર્તિને પણ વિરાજમાન કરવામાં આવે. રામજીને એકલા ન રાખશો. મને જાણ છે કે બાળસ્વરૂપમાં ભગવાનની મૂર્તિ સ્થાપિત થઈ રહી છે પરંતુ જો સીતાજીની પણ સાથે હશે તો તમામ મહિલાઓ ખુશ થશે.
નોંધનીય છે કે અયોધ્યામાં ભગવાન રામનો જન્મ થયો હતો અને તેથી મંદિરમાં પાંચ વર્ષના બાળસ્વરૂપમાં ભગવાનની મૂર્તિની સ્થાપના થઈ રહી છે, આ જ કારણ છે કે મુખ્ય મંદિરની અંદર માત્ર રામભગવાન જ દર્શન આપશે. છેલ્લા સાત દાયકાથી આસ્થાઈ મંદિરમાં બાળસ્વરૂપમાં ભગવાન રામ, તેમના ત્રણ ભાઈઓની સાથે દર્શન આપતા હતા.