ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ સીરીઝની બીજી મેચ કેપટાઉનમાં રમાઈ રહી છે. આ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે દક્ષિણ આફ્રિકાના હિતમાં ન હતું અને ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને એક પછી એક આંચકા આપ્યા અને માત્ર 55 રનના સ્કોર પર ઓલઆઉટ કરી દીધું. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર મોહમ્મદ સિરાજની ભૂમિકા સૌથી મહત્વની રહી હતી અને સિરાજે દસમાંથી છ વિકેટ ઝડપી હતી. સિરાજે પોતાની બોલિંગથી ઘણા રેકોર્ડ બનાવ્યા અને ટીમ ઈન્ડિયાએ બીજી ટેસ્ટમાં જોરદાર વાપસી કરી.
સાઉથ આફ્રિકા સામે મોહમ્મદ સિરાજે જે રીતે બોલિંગ કરી તે જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રથમ દિવસના પહેલા જ સેશનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. આ દરમિયાન સિરાજે એક ખાસ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં 2011 પછી આ પ્રથમ વખત બન્યું છે જ્યારે કોઈ બોલરે ટેસ્ટ મેચના પ્રથમ દિવસના પ્રથમ સેશનમાં પાંચ કે તેથી વધુ વિકેટ લીધી હોય.
એક જ સેશનમાં પાંચ વિકેટ લેવાની વાત કરીએ તો અત્યાર સુધી દુનિયામાં માત્ર ચાર બોલર જ આવું કરી શક્યા છે. સિરાજ આમ કરનાર પાંચમો બોલર બની ગયો છે. તે ભારત તરફથી બીજો બોલર છે જેણે એક સેશનમાં 5 વિકેટ લીધી હોય. તેના પહેલા ભારતના જસપ્રીત બુમરાહે પણ આ કારનામું કર્યું હતું. સિરાજે આ મેચની પ્રથમ ઇનિંગમાં કુલ 9 ઓવરમાં 15 રન આપીને 6 વિકેટ લીધી હતી. આ તેની ટેસ્ટ કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન પણ છે.
આ મેચની પ્રથમ ઇનિંગમાં ભારતે દક્ષિણ આફ્રિકાની ટીમને 23.2 ઓવરમાં 55 રનના સ્કોર પર ઓલઆઉટ કરી દીધી હતી. જે બાદ હવે ટીમ ઈન્ડિયા પાસે મોટી લીડ મેળવવાની મોટી તક છે. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા આજ સુધી ક્યારેય કેપટાઉનમાં ટેસ્ટ મેચ જીતી નથી. આવી સ્થિતિમાં રોહિત શર્માની ટીમ આ કારનામું કરીને ઈતિહાસ રચી શકે છે.