- રાજસ્થાનની જેમ ગુજરાતમાં ₹450માં ગેસ સિલિન્ડરની માંગ
- ગુજરાતની મહિલાઓને પ્રતિ મહિને ₹3,000ની સન્માન રાશિ આપવામાં આવે: આપ
ભાજપના રાજમાં આકાશ આંબતી મોંઘવારીમાંથી ગુજરાતની જનતાને રાહત અપાવવા માટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જનહિતની યોજનાઓની જાહેરાત કરી હતી અને તે સમય પર ભાજપના નેતાઓ તેને રેવડી કહી રહ્યા હતા. આજે આપણે જોઈ રહ્યા છીએ કે ભાજપ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર અને મહિલાઓને પ્રતિ મહિને ₹1,000 આપી રહી છે.
બીજી બાજુ ગુજરાતમાં 28 વર્ષથી ભાજપની સરકાર છે પરંતુ ગુજરાતના લોકોને અને ખાસ કરીને ગુજરાતની મહિલાઓને ભાજપ સરકાર દ્વારા કોઈપણ પ્રકારનો લાભ આપવામાં આવતો નથી. આ મુદ્દા પર આમ આદમી પાર્ટી આવતીકાલે તારીખ 3 જાન્યુઆરી બુધવારના રોજ દરેક જિલ્લામાં આમ આદમી પાર્ટીના જિલ્લા મથક પર ભાજપની આ દોગલી નીતિઓ વિરુદ્ધ શાંતિપૂર્વક રીતે વિરોધ પ્રદર્શન કરશે.
તમામ જિલ્લાઓમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે અને ગુજરાતની તમામ જનતાને 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર અને દરેક મહિલાઓને 3000 રૂપિયાની સન્માન રાશિ આપવાની માંગ કરશે. સાથે સાથે સરકારને એ પણ સવાલ પૂછવામાં આવશે કે ભાજપને ખોબલેને ખોબલે મત આપતી ગુજરાતની જનતાનો શું વાંક છે, શા માટે ગુજરાતના લોકોને લૂંટવામાં આવી રહ્યા છે? તે વિષયને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવનાર છે.