- ખેડા, અમદાવાદ, વડોદરા અને ભાવનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારની વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં મુખ્યમંત્રી ગાંધીનગરથી સહભાગી થયા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ Bhupendra Patel એ અધિકારીઓ, પ્રજાજનો અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના ત્રિવેણી સંગમના સહયોગથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાને જ્વલંત સફળતા મળી છે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી Narendr Modi એ નાનામાં નાના અને છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણ યોજનાઓના લાભ ઘેરબેઠા પહોંચાડવાની પ્રતિબદ્ધતા સાથેનો મોદીજીની ગેરંટીનો રથ ગામેગામ વ્યાપક જનપ્રતિસાદ મેળવી રહ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત મંગળવારે રાજ્યના ખેડા, અમદાવાદ, ભાવનગર અને વડોદરા જિલ્લાઓના ગ્રામ્ય વિસ્તારોમાં યોજાયેલી યાત્રામાં ઉપસ્થિત ગ્રામજનો તથા યાત્રાના રથના સારથિઓ અને યોજનાકીય લાભોની માહિતી લોકો સુધી પહોંચાડનારા યાત્રાના ફિલ્ડ સ્ટાફના કર્મયોગીઓ સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા સંવાદ કર્યો હતો.
તેમણે કહ્યું કે, દેશના ગામડાઓમાં વસનારા છેવાડાના માનવીને પણ તેને મળવાપાત્ર યોજનાકીય લાભ પહોંચાડવાની સાથે ગ્રામ્યસ્તર સુધી સરકારને લઈ જવાનો વડાપ્રધાનનો નવતર વિચાર આયોજનબદ્ધ રીતે પાર પડી રહ્યો છે.
લોકોમાં હવે વિશ્વાસ અને ભરોસો જાગ્યો છે કે મોદીજીની ગેરંટીનો આ રથ તેમના ગામમાં આવતાં જ સરકારની યોજનાના લાભ તેમને મળશે. મુખ્યમંત્રીએ જે લોકોએ આવા લાભ મેળવ્યા છે, તેમને અનુરોધ પણ કર્યો કે તેમની આસપાસના જે લોકો લાભ લેવાથી વંચિત રહ્યા છે તેમને પણ કલ્યાણ યોજનાઓનો લાભ અપાવે અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય મેળવે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ યાત્રા સાથે જોડાયેલા કર્મયોગીઓને પ્રેરણા આપતા કહ્યું કે, જનસેવા એ જ પ્રભુસેવાને સાકાર કરવાનો અવસર તેમને મળ્યો છે ત્યારે જનજન સુધી યોજનાના લાભ આપી પાર પાડવાનું દાયિત્વ તેઓ નિભાવે. ભૂપેન્દ્ર પટેલે ખેડા જિલ્લામાં પહોંચેલી આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં રથના ચાલક સાથે તેમને યાત્રા દરમિયાન થયેલા અનુભવો, યોજનાઓ વિશે જાણવા સમજવાની લોકોની ઉત્સુકતા અંગે તથા દોઢ-બે મહિનાથી પોતાના ઘર-પરિવારથી દૂર રહી ગામડાઓ ખૂંદતા આ સારથીની સેવાપરાયણતા અંગે લાગણીસભર સંવાદ કર્યો હતો.
ખેડૂતોને ડ્રોન ટેક્નોલોજીથી દવા છંટકાવનું નિદર્શન આપતા ડ્રોન ઓપરેટર પાસેથી ગ્રામીણ ખેડૂતો દ્વારા થતા અનુભવો અંગેની માહિતી પણ મુખ્યમંત્રીશ્રીએ મેળવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારત સંકલ્પ યાત્રાથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈનો વિકસિત ભારત@૨૦૪૭નો સંકલ્પ પાર પાડવામાં ગુજરાત હંમેશાંની જેમ વિકસિત ગુજરાતથી વિકસિત ભારત દ્વારા અગ્રેસર રહેશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો. આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રાજ્યના ૧૨,૫૦૦થી વધુ ગામોમા પૂર્ણ થઈ છે. ૧૧ હજારથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીની જાણકારી મેળવી છે.
આ ઉપરાંત ૧૧,૩૦૦થી વધુ ગ્રામ પંચાયતોમાં લેન્ડ રેકર્ડ ડિજિટાઈઝેશન ૧૦૦ ટકા પૂર્ણ થયું છે અને ૧.૬૬ લાખ ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાના અને ૨૬.૩૫ લાખથી વધુ પ્રધાનમંત્રી જનઆરોગ્ય પી.એમ.જે.એ.વાય. કાર્ડ ઈશ્યુ કરવામાં આવ્યા છે, તેની વિસ્તૃત વિગતો પંચાયત અગ્ર સચિવ મોના ખંધારે આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આ વિડિયો કોન્ફરન્સમાં પંચાયત રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, વિકાસ કમિશ્નર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જે-તે યાત્રા સ્થળોએ સાંસદ, પૂર્વ મંત્રી, ધારાસભ્યઓ અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.