- વિજ્ઞાન-ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધાર અને મહાનુભાવોના હસ્તે વિજેતાઓને ઈનામ આપી સન્માનિત કરાયા
- રોબોટિક્સની જુદી જુદી સાત કેટેગરીમાં વિજેતા યુવાનોને કુલ પાંચ કરોડનાં ઈનામો અપાયાં
અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે ગુજકોસ્ટ દ્વારા સાયન્સ સિટીના સહયોગથી ભારતની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધા – રોબોફેસ્ટ ગુજરાત 3.0નું આયોજન કરવામાં આવ્યું હતું. 29 ડિસેમ્બરથી શરૂ થયેલી આ કોમ્પિટિશનની ગ્રાન્ડ ફિનાલે સાયન્સ સિટીના વિજ્ઞાન ભવન ખાતે યોજાઈ હતી.
રોબોટિક્સના સમાપન સત્રમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધાર સહિતના મહાનુભાવોના હસ્તે રોબોટિક્સની જુદી જુદી સાત કેટેગરીમાં વિજેતા વિદ્યાર્થીઓને આશરે પાંચ કરોડના રોકડ પુરસ્કારો એનાયત કરી સન્માનિત કરાયા હતા.
આ પ્રસંગે અગ્રસચિવ મોનાબેન ખંધારે જણાવ્યું હતું કે, રોબોટ સાયન્સ ક્ષેત્રે ઉમદા કામગીરી કરનાર યુવાનોના ટેલેન્ટને જોતાં લાગે છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી Narendra Modi ના વિકસિત ભારત@2047 સંકલ્પને ખૂબ જ ઝડપથી પ્રાપ્ત કરી શકીશું.
તેમણે યુવાનોને શુભેચ્છા આપતા જણાવ્યું હતું કે, તમારી કલ્પના અને મહેનતથી વધુ ઊંડાણપૂર્વક અભ્યાસ કરો, તેવી અભિલાષા છે. તેમણે વિજેતા વિદ્યાર્થીઓની સાથે સહભાગી તમામ યુવાનોને અને મેન્ટર્સને શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે અગ્રસચિવ મોના ખંધાર દ્વારા રોબોફેસ્ટ ગુજરાત 4.0ની જાહેરાત કરવામાં આવી હતી તેમજ રોબોફેસ્ટ ગુજરાત 3.0ના સોવેનિયરનું મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉચ્ચ તથા ટેકનિકલ વિભાગના અગ્ર સચિવ મૂકેશ કુમાર, પીઆરએલના ડિરેકટર ડૉ. અનિલ ભારદ્વાજ, બાર્કના રોબોટિક્સ વિભાગના હેડ અને રોબોફેસ્ટની ટેક્નિકલ એડવાઇઝરી કમિટીના ચેરમેન ડૉ. દેબાનિક રૉયની ઉપસ્થિતિ વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહક બની રહી હતી.
આ કાર્યક્રમમાં સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી જે.બી. વદરે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. ગુજકોસ્ટના એડવાઇઝર નરોત્તમ શાહુએ સ્વાગત પ્રવચન અને ગુજકોસ્ટના પ્રિન્સિપલ સાયન્ટિફિક ઑફિસર ડૉ. પૂનમ ભાર્ગવે આભારવિધિ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, રોબોફેસ્ટ ગુજરાત રૂપિયા 5 કરોડની ઈનામી રકમ સાથે ભારતની સૌથી મોટી રોબોટિક સ્પર્ધા તરીકે જાણીતી છે. રોબોટિક્સ ગુજરાત 3.0માં કુલ 629 ટીમોએ ભાગ લીધો હતો, પ્રૂફ ઓફ કોન્સેપ્ટ તબ્બકા માટે 151 ટીમો પસંદ કરવામાં આવી હતી, આ સાથે જ 67 ટીમોએ તેમના પ્રોટોટાઈપ રોબોટ્સ સાથે ગ્રાન્ડ ફિનાલે કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કુલ 330 વિદ્યાર્થીઓ તથા 50થી વધારે મેન્ટર્સ સહભાગી થયા હતા. ભાભા એટમિક રિસર્ચ સેન્ટર, મુંબઈ, આઈઆઈટી, મુંબઈ, આઈઆઈટી, ચેન્નઈ, આઈઆઈટી, ગાંધીનગર, આઈઆઈટી, દિલ્હી, આઈઆઈટી, કાનપુર, આઇ ક્રિએટ, ડીડીયુ, અમદાવાદ યુનિવર્સિટી, નિરમા યુનિવર્સિટી, એલ.ડી. એન્જિનિયરિંગ વગેરે સંસ્થાઓ સહભાગી થઈ હતી.