- ગુજરાતની 3 થી 4 સીટ એવી જે અપસેટ સર્જી શકે
ભાજપના ગઢ ગુજરાતમાં કોંગ્રેસ અને AAP બંનેની સ્થિતિ શૂન્ય સમાન છે. 2024ની ચૂંટણીમાં બંને પક્ષો સાથે મળીને લડશે તો એમની સામે ખાતું ખોલાવવાનો પડકાર રહેશે. આ બધા વચ્ચે ભરૂચ બેઠક પર AAPની દાવેદારીના કારણે મામલો પણ ગરમાયો છે.
ત્યારે લોકસભાની ચૂંટણી બહુમતી જીતવા માટે ભાજપ એક્ટિવ થઈ ગઈ છે. જેને ગાંધીનગરમાં ટોપ લેવલની બેઠક મળી રહી છે. અને આગામી સમયની રણનીતિ ઘડાશે. ભાજપ ભલે માઈક્રોપ્લાનિંગમાં અતિ સક્ષમ હોય પણ એ સારી રીતે જાણે છે કે ગુજરાતની 3થી 4 સીટ એવી છે જેમાં સમીકરણો ન ગોઠવાયા તો સમસ્યા સર્જાશે. તેવી વાત બહાર આવી છે. લોકસભામાં 26માંથી 26 બેઠકો જીતનાર ભાજપ આ વર્ષે હેટ્રીક લગાવવાના સપનાં તો જોઈ રહી છે.
ગુજરાતમાં દક્ષિણ ગુજરાત એ ભાજપનો ભલે ગઢ ગણાતો હોય પણ આદીવાસી પટ્ટામાં ભાજપ સામે રોષ વધારે છે. જેનો ફાયદો આપ અને કોંગ્રેસ લઈ રહ્યાં છે. જો ભરૂચ સીટ પર આ બંને એક થયા તો ભાજપને ભારે પડી શકે છે. જો આ બંનેએ સામ સામે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો તો ભાજપ વન વે અહીં જીતી શકે તેવી ધારણા છે. એટલે જ ભાજપના નેતાઓ આ નબળી ગણાતી સીટ પર આપ અને કોંગ્રેસ એક ન થાય એ માટે પ્રયાસો કરી રહ્યાં છે.
ભાજપ ગુજરાતમાં શામ દામ દંડ ભેદ અપનાવીને પણ લોકસભાની 26માંથી 26 બેઠકો જીતવા માગે છે. ભલે કોંગ્રેસ અને AAPના નેતાઓ પંજાબ અને દિલ્હીમાં I.N.D.I.A એલાયન્સમાં સાથે રહીને પણ અલગ-અલગ સૂરો પુરાવી રહ્યાં હોય પરંતુ પશ્ચિમમાં 1200 કિલોમીટર દૂર ગુજરાતમાં બંને પક્ષો સાથે લડવું લગભગ મજબૂરી છે. તેથી જ ગુજરાતની ભરૂચ લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટીએ પહેલેથી જ દાવો રજૂ કર્યો છે. આવી સ્થિતિમાં સવાલ એ ઉઠી રહ્યો છે કે શું AAP પંજાબ અને દિલ્હીમાં કોંગ્રેસ માટે સીટો છોડવાના બદલામાં ગુજરાતમાં વધુ સીટોની માંગ કરશે? આ ચર્ચા એટલા માટે શરૂ થઈ છે કારણ કે પાર્ટીના રાજ્યસભા સાંસદ સંદીપ પાઠકે સીટ વહેંચણી પહેલાં જ આ સીટ પર પાર્ટીનો દાવો વ્યક્ત કર્યો છે.
સંદીપ પાઠકના મતે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ નવા વર્ષના પ્રથમ સપ્તાહમાં ચૂંટણીનું બ્યુગલ ફૂંકશે. આ બેઠક ભરૂચ લોકસભાના ડેડિયાપાડા વિધાનસભા મતવિસ્તારમાં આવે છે. એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતી ભરૂચ લોકસભા બેઠક ભગવા કિલ્લામાં ફેરવાઈ ગઈ છે. AAPની દલીલ છે કે કોંગ્રેસ છેલ્લા ત્રણ દાયકાથી આ બેઠક જીતી શકી નથી એટલે આ ચૂંટણીમાં એમને ચાન્સ મળવો જોઈએ. આ બેઠક પર આદીવાસીઓનું પ્રભુત્વ છે. મનસુખ વસાવા અહીંથી ભાજપના સાંસદ છે ત્યારે એમની સામે જબરદસ્ત આક્રોશ છે.