- કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રીએ નવનિર્મિત બિલ્ડિંગ – સહકાર ભવનનું ઈ-લોકાર્પણ
- ખેડૂતો પરનું આર્થિક ભારણ ઘટાડવા વ્યાજબી દરે લોન ઉપલબ્ધ કરાવાઈ
- ગુજરાતમાં ખેડૂતો માટે રૂ. 3 લાખ સુધીની લોન શૂન્ય ટકાનાં વ્યાજદરે ઉપલબ્ધ
- અદ્યતન સુવિધાઓ ધરાવતી બેન્કો બેન્કિગની પ્રક્રિયા સરળ અને ઝડપી બનાવશે
કેન્દ્રિય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહનાં વરદહસ્તે સુરેન્દ્રનગર ખાતે રૂ. ૧૦ કરોડના ખર્ચે બનાવવામાં આવેલ ધી સુરેન્દ્રનગર ડિસ્ટ્રિકટ કો – ઓપરેટીવ બેંક લિમિટેડના નવનિર્મિત બિલ્ડિંગ – સહકાર ભવનનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે રાજ્ય સરકારના ઉદ્યોગ અને સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સહિતનાં મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
મંગલ ભવન, સુરેન્દ્રનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કરતા કેન્દ્રિય સહકારીતા મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશનાં આર્થિક વિકાસમાં અને ખાસ કરીને ગ્રામ્ય સ્તરે સહકારી સંસ્થાઓની ભૂમિકા સશક્ત કરવા માટે સહકારી સંસ્થાઓને સતત પ્રમોટ કરી છે. સહકારી બેન્કોનાં પ્રવેશથી આવેલા પરિવર્તન અને તેમનાં મહત્વ વિશે વાત કરતા કેન્દ્રિય સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે સહકારી બેન્કોમાં સરળતાથી વ્યાજબી વ્યાજદરે લોન ઉપલબ્ધ થતા ખેડૂતોએ બજારમાંથી ઉંચા વ્યાજે લોન લેવી પડતી નથી.
સહકાર ક્ષેત્રનાં વિકાસ માટે અને ખેડૂતોને આર્થિક મોરચે સશક્ત કરવા માટે સરકાર દ્વારા લેવાયેલા વિવિધ પગલાઓ વિશે વિસ્તૃત વાત કરતા તેમણે ઉમેર્યું હતું કે ખેડૂતો 17-18 ટકાનાં ઉંચા વ્યાજે લોન મેળવતા હતા, જે નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વ હેઠળની સરકારે 7 ટકા જેટલા દરે ઉપલબ્ધ કરાવી છે. આ ઉપરાંત, ગુજરાતમાં રૂ. 3 લાખ સુધીની લોન શૂન્ય ટકાનાં દરે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ પગલાઓથી નાના ખેડૂતો આર્થિક રીતે વધુ સુરક્ષિત બનશે. સુરેન્દ્રનગર ડિસ્ટ્રિકટ કો – ઓપરેટીવ બેંક લિમિટેડ બેન્કની પ્રગતિ વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે વર્ષ 2009માં બેન્કની ખાધ 71 કરોડ હતી.
જ્યારે આજે બેન્ક વાર્ષિક રૂ. 7 કરોડનો નફો કરતી થઈ છે. આ વિકાસ અને 19 હજાર જેટલા નાના-સીમાંત ખેડૂતોને લોન આપવાની કામગીરી બદલ તેમણે બેન્કને અભિનંદન પાઠવ્યા હતા. બેંકની મુલાકાતે આવતા ગ્રાહકોની વિવિધ જરૂરિયાતોને ધ્યાનમાં રાખી રૂ.10 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ બેન્કનાં નવીન મકાનમાં ઉપલબ્ધ સુવિધાઓ વિશે માહિતી આપતા કેન્દ્રિય મંત્રીએ જણાવ્યું હતું કે સુવિધાઓ વધતા બેન્ક અને બેન્કનાં ગ્રાહકો માટે બેન્કિંગની પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બનશે. 1500 ચો.મીટરનાં વિસ્તારમાં નિર્મિત અને 70થી વધુ સીસીટીવી કેમેરા અને સ્મોક ડિટેક્ટરથી સજજ આ બિલ્ડિંગ સીટીસી ક્લિઅરીંગ, NEFT-RTGS, FRANKING, વિવિધ વીમા અને લોન યોજનાઓનાં ઉમેરા સાથે બેન્કનાં ગ્રાહકો માટે અતિ ઉપયોગી પુરવાર થશે.
બેન્કિંગ સેક્ટરમાં સહકારી બેન્કોની ભૂમિકા અતિ અગત્યની છે ત્યારે સુરેન્દ્રનગરને મોટા શહેરો જેવી સુવિધાઓ ધરાવતી સહકારી બેન્ક મળતા સહકારી બેન્ક ક્ષેત્રનું સુરેન્દ્રનગરનું સપનું સાકાર થયું છે તેમ તેમણે જણાવતા આગામી દિવસોમાં સુરેન્દ્રનગર ડિસ્ટ્રીક્ટ કો- ઓપરેટિવ બેન્ક જિલ્લાની દરેક ક્ષેત્રની સહકારી મંડળીઓની આગેવાની લેશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમમાં સંબોધન કરતા ઉદ્યોગ અને સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે મોટા- મોટા શહેરોમાં જેવી બેન્ક હોય તેવી અત્યાધુનિક સુવિધાઓ ધરાવતી બેંક સુરેન્દ્રનગર ખાતે ઉભી થઈ છે, તે હર્ષની વાત છે.
આ નવનિર્મિત બેંક જીઆઇડીસી – વઢવાણ વિસ્તારમાં આવેલી હોવાથી વઢવાણ તેમજ સુરેન્દ્રનગરના લોકોને સરળતાથી સહકારી બેન્કિંગ સેવાઓ પ્રાપ્ત થશે. બેન્કનાં નવા મકાનમાં ઉપલ્બધ સુવિધાઓ વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે 100થી વધુ વ્યક્તિની ક્ષમતા ધરાવતો કોન્ફરન્સ હોલ, 30 વ્યક્તિઓની ક્ષમતા ધરાવતો આધુનિક બોર્ડ રૂમ, 1000થી વધુ લોકોની ક્ષમતા સાથે અત્યાધુનિક અને સુરક્ષિત લોકર રૂમ, ગ્રાહકોને 24 કલાક લોકર ઓપરેટ કરવાની સુવિધા તેમજ બેન્કો તરફથી ખેડૂતોને મળતી વિવિધ કૃષિ લોન સહિતની સુવિધાઓથી સજ્જ આ બેંક સુરેન્દ્રનગરનાં સહકારી બેન્કિંગ ક્ષેત્ર માટે અગત્યની બની રહેશે. બેંકને લો કોસ્ટ થાપણ મેળવવામાં અને પોતાનો વ્યવસાય વધારવામાં પણ સરળતા રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું.
ખેડૂતો માટે સરકાર દ્વારા આર્થિક મોરચે લેવાયેલ પગલાઓ વિશે વાત કરતા તેમણે ઉમેર્યું હતું કે, સરકારશ્રી રાજ્યના ખેડૂતોને વધુ સુખી અને સમૃદ્ધ બનાવવા માટે સતત કાર્યશીલ રહી છે. આજે ખેડૂતો ઓનલાઈન પેમેન્ટ કરતા થઈ ગયા છે. અંદાજિત 40 કરોડ લાભાર્થીઓ નેટબેન્કિંગ સાથે જોડાયેલા છે. લાભાર્થીને મળતા લાભો સીધા જ ખાતેદાર લાભાર્થીઓના ખાતામાં જમા થઈ રહ્યા છે. ખેડૂતોને રૂ.3 લાખની લોન વિના વ્યાજે મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલી ખેડૂતો માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ મોટા પ્રમાણમાં ખેડૂતો લઈ રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગરના ખેડૂતો તેમજ લોકોને આ બેન્કની સુવિધાનો મહત્તમ લાભ લેવા માટે તેમણે આ તકે અનુરોધ કર્યો હતો.
આ તકે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ ખેડૂતો સહિત ગ્રામ્યજનો માટે સરકાર દ્વારા બેન્કિંગ સુવિધાઓમાં લેવાયેલા હકારાત્મક પગલાઓ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે સરકાર ખેડૂતો, અસંગઠિત વર્ગનાં લોકો સહિત તમામ વર્ગો માટે અલગ-અલગ સ્તરે ઉત્કૃષ્ઠ બેન્કિંગ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા કટિબદ્ધ છે.
ધી સુરેન્દ્રનગર ડિસ્ટ્રિકટ કો – ઓપરેટીવ બેંક લિમિટેડના નવા મકાનનાં લોકાર્પણથી લોકોને મળતી બેંકની સુવિધાઓમાં મોટો વધારો થયો છે ત્યારે આ સુવિધાઓનો મહત્તમ લાભ લેવા માટે તેમણે લોકોને અપીલ કરી હતી. આ ઉપરાંત આ તકે બેંકના ચેરમેન હરદેવસિંહ પરમાર, પૂર્વ મંત્રીશ્રી જશાભાઇ બારડ અને જી.એસ.સી બેંક ચેરમેન અજયભાઈ પટેલે પણ પ્રાસંગિક સંબોધન કર્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલ, ધારાસભ્ય સર્વે પ્રકાશભાઈ વરમોરા, શ્રી પી.કે પરમાર, શામજીભાઈ ચૌહાણ, પૂર્વ કેબિનેટ મંત્રી આઈ. કે જાડેજા, સુરસાગર ડેરી પ્રમુખ બાબાભાઈ ભરવાડ, અગ્રણીશ્રીઓ જયેશભાઈ પટેલ, હાર્દિકભાઈ ટમાલીયા તેમજ મંગળસિંહ પરમાર, જેસીંગભાઇ ચાવડા, ઈશ્વરભાઈ પટેલ, રામજીભાઈ ગોહિલ અને ગુજરાત રાજ્ય સહકારી બેંક લિમિટેડ ચેરમેન અજયભાઈ પટેલ, ઉપપ્રમુખ વાલજીભાઈ પટેલ સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.