- મુખ્યમંત્રીનો ચા ની ચુસ્કીનો વીડિયો વાયરલ થયો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છની બે દિવસની મુલાકાતે આવ્યા હતા. ત્યારે ફરી એકવાર તેમની કોમનમેનની છબી સૌને જોવા મળી હતી. તેમણે ધોરડો ખાતે રણોત્સવ માં લાઈટ એન્ડ સાઉન્ડ શો નો પ્રારંભ કરાવ્યો હતો તેમજ કચ્છ માં નિર્માણ પામી રહેલા સૌથી મોટા રીન્યુએબલ એનર્જી પાર્ક ની કામગીરી નિરીક્ષણ માટે મુલાકાત પણ કરી હતી. આ દરમિયાન મુખ્યમંત્રીએ કચ્છમાં ખાવડા જંક્શન ખાતે ચા ની કિટલી પર ચાની ચુસ્કી માણી હતી. મુખ્યમંત્રીનો ચાની ચુસ્કીનો વીડિયો વાયરલ થયો હતો. ખાવડા જંકશન પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે Bhupendra Patel સામાન્ય નાગરિકોની જેમ જ રોડ પર ઉભા રહીને ચા પીવાની મજા માણી હતી.
મુખ્યમંત્રીએ કચ્છ માં નિર્માણ પામી રહેલા સૌથી મોટા રીન્યુ એબલ એનર્જી પાર્ક ની કામગીરી નિરીક્ષણ માટે મુલાકાત લીધી હતી.
કચ્છની બે દિવસની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભુજમાં આઇકોનિક બસ પોર્ટનું લોકાર્પણ કર્યા બાદ ધોરડો ખાતે ફેબ્રુઆરી સુધી ચાલનારા રણોત્સવનો શુભારંભ કર્યો હતો.
વાતચીત દરમ્યાન તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇએ સંકલ્પ કર્યો હતો કે, દિવસના રણોત્સવની તો શરૂઆત છે, મહિનાઓ સુધી ચાલે તેવી વ્યવસ્થા વિકસાવવામાં આવી છે. આ રણોત્સવમાં પ્રવાસન વિભાગ દ્વારા દર વર્ષે નવા આકર્ષણ ઊભા કરવામાં પણ આવે છે.
આ વખતે લેઝર અને સાઉન્ડ શોની આજથી શરૂઆત કરવામાં આવી છે, તેમ આવનારા દિવસોમાં પણ હજુ ઘણું બધું કરવામાં આવશે. કચ્છ પાસે મોટી તાકાત છે અને કચ્છનું ભવિષ્ય ઊજળું છે. વારાફરતી નવા નવા પ્રોજેક્ટ પર્યટનને લાગે છે ત્યાં સુધી આવી રહ્યા છે. સિરક્રીક વિસ્તારમાં ચેરિયાનાં જંગલો મોટાપાયે છે. દરિયા માર્ગે ત્યાં પહોંચવું પડે છે. ખૂબ કઠિન છે, પણ ટૂંક સમયમાં પ્રોજેક્ટ પાર પડશે તેવી તૈયારીઓ ચાલી રહી હોવાનું મુખ્યંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. કચ્છનાં ધોરડો અને ધોળાવીરાને વૈશ્વિક દરજ્જો મળ્યો છે. એક જિલ્લામાં બે-બે મોટા પર્યટન સ્થળ હોય એટલે પ્રવાસીઓના લીધે રોજગારીની નવી તકો પણ વધી છે.