- મુખ્યમંત્રીના હસ્તે ‘ગુજરાત વિદ્યાસભાની અવિરત યાત્રા’ પુસ્તકનું વિમોચન
અમદાવાદમાં ગુજરાત વિદ્યાસભાના ૧૭૫મા વિદ્યાજ્ઞાન પર્વને સંબોધતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ Bhupendra Patel એ જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવ પર્વે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી Narendr Modi એ આપેલા પંચ-પ્રણ પૈકી એક વારસાનું જતન ગુજરાત વિદ્યાસભા કરી રહી છે. ગુજરાતી તરીકે આપણને સૌને ગુજરાતી ભાષાનું ગૌરવ હોવું જોઈએ. ગુજરાતી ભાષા પ્રત્યે જાગૃતિ અને તેના સંવર્ધન માટે ગુજરાત વિદ્યાસભાના દરેક પ્રયાસમાં સરકાર સહભાગી બનવા તૈયાર છે, તેવી ખાતરી મુખ્યમંત્રીએ આપી હતી.
ગુજરાતી ભાષાનો વ્યાપ વધારવાની સરકારની પ્રતિબદ્ધતાનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, સરકારે માતૃભાષા ગુજરાતીને શિક્ષણમાં પ્રાથમિકતા આપવા માટે ધો.૧થી ૮માં ગુજરાતી શિક્ષણ ફરજીયાત બનાવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની દૂરંદેશીની પ્રશંસા કરતા તેમણે ઉમેર્યું કે, ભારતમાં સ્થિર અને સક્ષમ નેતૃત્વને કારણે આજે માત્ર દેશના જ નહિ દુનિયાભરના લોકોમાં ભારત પરનો વિશ્વાસ વધી રહ્યો છે. વાઇબ્રન્ટ ગુજરાતને પગલે કરેલા વિદેશ પ્રવાસનો ઉલ્લેખ કરી તેમણે જણાવ્યું કે વિદેશી ઉદ્યોગકારો રોકાણકારો ભારત સાથે આર્થિક સંબંધો સ્થાપવા ઉત્સુક છે. અને રોકાણ માટે ભારતમાં પણ ગુજરાત પહેલી પસંદ છે, એમ તેમણે ઉમેર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ૧૮૪૮માં એલેક્ઝાન્ડર કીન્લોક ફોર્બ્સ અને કવિ દલપતરામ દ્વારા ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરવામાં આવી હતી. જે પછીથી ગુજરાત વિદ્યાસભા તરીકે વિખ્યાત બની. જેના પ્રારંભથી લઈને વર્તમાન સુધીની યાત્રાના દસ્તાવરજીકરણને દર્શાવતી પુસ્તિકા ‘ગુજરાત વિદ્યાસભાની અવિરત યાત્રા’નું વિમોચન મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.
આજના પ્રસંગે ગુજરાત વિદ્યાસભાના અધ્યક્ષ શ્રેયાંશભાઈ શાહ, ભૂતપૂર્વ મુખ્ય સચિવ પી.કે.લહેરી, વરિષ્ઠ ઇતિહાસકાર શ્રી મકરંદ મહેતા અને તેમના ધર્મપત્ની શિરીનબેન મહેતા, લોર્ડ મેઘનાથ દેસાઈ, શ્રી કુમારપાળ દેસાઈ તેમજ એચ. કે. કોલેજના પ્રાધ્યાપક ઉપરાંત સાહિત્યરસિકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.